અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટીની આંતરરાષ્ટ્રીય કાર્યસમિતિમાં ભુજના પ્રમુખને વિશેષ સ્થાન

ભુજમાં 2018થી ચાલી રહેલી અણુવ્રતની રચનાત્મક પ્રવૃત્તિઓને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અને દિશા મળવા આશા

માનવતાના ઉત્થાન, નૈતિક મૂલ્યોના સંવર્ધન અને સમાજમાં સંયમ તથા ચારિત્ર્યનિર્માણના ઉદ્દેશ્ય સાથે કાર્યરત અણુવ્રત આંદોલનના રાષ્ટ્રીય સંગઠન અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી (અણુવિભા)ની નવગઠિત રાષ્ટ્રીય કાર્યસમિતિ (2026-28)માં ભુજના અણુવ્રત સમિતિના અધ્યક્ષ મહેશ પ્રભુલાલ મહેતાની વિશેષ આમંત્રિત સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ C.A. રતન દુગડ દ્વારા સત્તાવાર પત્ર પાઠવી તેમને આ જવાબદારી માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ વરણી ભુજમાં અણુવ્રતના વિચારોને લોકજીવન સુધી પહોંચાડવા માટે થઈ રહેલા પ્રયાસો માટે ગૌરવની બાબત બની છે. આ સન્માનને વ્યક્તિગત સિદ્ધિ કરતાં અણુવ્રતના આદર્શો સાથે જોડાયેલા તમામ કાર્યકરોની સામૂહિક સાધના અને સેવાભાવની સ્વીકૃતિ તરીકે જોવું વધુ ઉચિત છે. તેવી લાગણી દર્શાવાઇ હતી.

અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી અણુવ્રત આંદોલનની કેન્દ્રીય પ્રતિનિધિ સંસ્થા છે. જાતિ, ધર્મ, સંપ્રદાય, રંગ કે લિંગના કોઈપણ ભેદભાવથી પર રહી સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સમર્પિત આ આંદોલન આચાર્ય તુલસીના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં અણુવ્રત અનુશાસ્તા આચાર્ય મહાશ્રમણજીના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યું છે.
રાષ્ટ્રીય સ્તરે મળેલી આ નવી જવાબદારી ભુજની અણુવ્રત પ્રવૃત્તિઓને વધુ વિસ્તૃત કરવા, નવા કાર્યકરોને જોડવા અને અણુવ્રતના સાર્વત્રિક સંદેશને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા માટે એક નવી તક બની રહેશે. તેવું એક યાદીમાં જણાવાયું છે.