ભુજની નાનકડી સલોનીનું મોટું સેવાકાર્ય: ગરીબ બાળકો સાથે જન્મદિનની અનોખી ઉજવણી

શૈક્ષણિક સાધનોનું વિતરણ, બ્રાહ્મણ પરિવારોને રાશન કીટ આપી સેવાકાર્ય હાથ ધરાયું

ભુજ શહેરમાં ઓરિયેન્ટ કોલોનીમાં રહેતી કુ. સલોની ધીરેનભાઈ ઠક્કરે પોતાના જન્મદિવસની ઉજવણી મોટી હોટલોમાં પાર્ટી યોજીને કરવાને બદલે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો વચ્ચે સેવાકાર્ય સાથે અનોખી રીતે કરી હતી.

ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગરીબ પરિવારના બાળકો સાથે કુ. સલોનીએ જન્મદિવસની ખુશીઓ વહેંચી હતી.

શાળાઓ ફરી શરૂ થતાં બાળકો અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વધુ સારી રીતે કરી શકે તેવા આશયથી તેમને શૈક્ષણિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકોને અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો તેમજ બ્રાહ્મણ પરિવારોને રાશન કીટનું વિતરણ કરી સેવાકાર્યને વધુ અર્થપૂર્ણ બનાવવામાં આવ્યું હતું.

સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી, નરેન્દ્ર સ્વાદિયા, અંકિતાબેન ધોકાઈ, નર્મદાબેન ગામોટ, મનજીભાઈ ગામોટ, નયનભાઈ શુક્લ, રામુબેન પટેલ, રાજુલાબેન શાહ, માલશ્રીબેન ગઢવી સહિતના સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા.

કુ. સલોનીના પિતા ધીરેનભાઈ ઠક્કર, ભુજના પૂર્વ નગરસેવક તેમજ હાલમાં ભુજ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે, તેઓ પણ છેલ્લા ઘણા સમયથી સત્યમ સંસ્થાના માધ્યમથી મકરસંક્રાંતિ, હોળી, નવરાત્રિ, દિવાળી સહિતના રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોના પ્રસંગે વિવિધ વિસ્તારોમાં બાળકો માટે પ્રસંગોચિત સેવાકીય પ્રવૃત્તિઓમાં સહયોગ આપતા રહ્યા છે.