વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ ભુજ દ્વારા આયોજન : CA આશિષ બહેતી અને CA જિતેન્દ્ર ખંડોલે રોકાણ અને સફળ ટ્રેડિંગનું માર્ગદર્શન આપ્યું
આજના સમયમાં આર્થિક આયોજન અને સંપત્તિના સુવ્યવસ્થિત નિર્માણમાં શેરબજારની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહી છે. જોકે શેરબજારમાં સફળતા મેળવવા માટે માત્ર મૂડીનું રોકાણ જ નહીં, પરંતુ બજારની ઊંડી સમજણ, કંપનીઓના નાણાકીય પાસાંનું વિશ્લેષણ, ટેકનિકલ જ્ઞાન, ધીરજ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પણ અનિવાર્ય છે. આ જ હેતુ સાથે વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ, ભુજ દ્વારા સમસ્ત જૈન સમાજ માટે શેરબજાર વિષયક વિશેષ માર્ગદર્શક સેમિનાર ભુજના VBC RTO સંકુલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને શેરબજાર નિષ્ણાતએ એક જ મંચ પરથી પોતાના જ્ઞાન, અનુભવ અને અભ્યાસના આધારે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. CNBC સાથે સંકળાયેલા CA આશિષ બહેતીએ શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં કઈ બાબતોનો અભ્યાસ કરવો જોઈએ, યોગ્ય શેરની પસંદગી કેવી રીતે કરવી, કયા સમયે ખરીદી અને વેચાણનો નિર્ણય લેવો, કંપનીના ફંડામેન્ટલ્સનું વિશ્લેષણ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે બજારની ચાલને કેવી રીતે સમજવી તે અંગે છણાવટ કરી હતી.
બીજા વક્તા CA જિતેન્દ્ર ખંડોલે સફળ ટ્રેડિંગ માટે જરૂરી શિસ્ત, બજારની ગતિવિધિઓનું નિરીક્ષણ, ટ્રેડિંગની કાર્યપદ્ધતિ, જોખમનું વ્યવસ્થાપન અને એક સફળ ટ્રેડર બનવા માટે આવશ્યક બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શેરબજારને માત્ર નફો મેળવવાના માધ્યમ તરીકે નહીં, પરંતુ જ્ઞાન, સંશોધન, શિસ્ત અને જોખમની સમજણ સાથે આગળ વધવાના ક્ષેત્ર તરીકે જોવાની દૃષ્ટિ કેળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

સેમિનારના પ્રોજેક્ટ ચેરમેન તરીકે ભાવિક શાહ અને સમીર દોશી એ સેવા આપી હતી. મોટા સમાજના ઉપપ્રમુખ મહેશભાઈ મહેતા, મહામંત્રી સંદીપભાઈ દોશી, ભુજ વાગડ બે ચોવીસી સમાજના પ્રમુખ કિશોરભાઈ મોરબીયા તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. યુવક મંડળના પ્રમુખ આશિષભાઈ બાબરીયાએ ઉદ્બોધન કર્યું હતું. સંચાલન ભાવિક બાબરીયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ મંત્રી આદર્શ સંઘવીએ વ્યક્ત કરી હટી. તેવું એક યાદીમાં જૈન અગ્રણી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.

