વાગડમાં બેલા ગામે શાહ પરિવારનું સ્નેહમિલન યોજાયું, આગામી ચાર વર્ષના દાતાઓનાં નામોની જાહેરાત

પારિવારિક એકતા, આત્મીયતા અને સંસ્કારોની સુવાસ જરૂરી

પારિવારિક સંબંધોની મજબૂતી, આત્મીયતા અને એકતાને જાળવી રાખવાના આશયથી યોજાતાં સ્નેહમિલનોનું આજના સમયમાં વિશેષ મહત્ત્વ છે. આવા જ ભાવ સાથે વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના બેલા ગામે શાહ પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું.

છેલ્લા ત્રણ વર્ષથી શાહ પરિવાર દ્વારા આ સ્નેહમિલનનું નિયમિત આયોજન કરવામાં આવી રહ્યું છે, જે પરિવારની એકતા, પરસ્પર સ્નેહ અને સામૂહિક જવાબદારીની સુંદર પરંપરાનું પ્રતીક બની રહ્યું છે. તેવું આ પ્રસંગે જણાવાયું હતું.

આ સ્નેહમિલનનો મુખ્ય હેતુ પરિવારના સભ્યો એક મંચ પર એકત્રિત થાય, એકબીજાના સંપર્કમાં રહે, વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરે તથા નવી પેઢી પરિવારના મૂળ, પરંપરા અને સંસ્કારો સાથે જોડાય તેવો રહ્યો હતો.

આ વર્ષના સ્નેહમિલનના સમગ્ર આયોજનનો લાભ દેવકુંવરબેન મગનલાલ શાહ પરિવારએ લીધો હતો.

સ્નેહમિલનના ભાગરૂપે પરિવારના સભ્યો રાજદે સમાજવાડીથી દાદાની મઢી સુધી સંગીતના સથવારે અને પહોંચ્યા હતા. આ વર્ષના દાતા પરિવારના મોતીલાલભાઈ શાહ, ધીરજભાઈ, રજનીભાઈ તથા ભરતભાઈનું શાહ પરિવારના ભાઈઓ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આગામી ચાર વર્ષના દાતાઓનાં નામોની જાહેરાત કરવામાં હતી. પરિવારની આ પરંપરા આગામી વર્ષોમાં પણ અવિરત ચાલુ રહે અને દરેક પ્રસંગે પરિવારના સભ્યોને એકત્રિત થવાનો અવસર મળતો રહે તેવા આશયથી આગામી ચાર વર્ષ માટેના દાતાઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં અનુક્રમે વજીબેન પ્રભુલાલ, રંભાબેન વાડીલાલ અમીચંદ, બધીબેન મણીલાલ તથા લક્ષ્મીબેન વાડીલાલ ચત્રપુજ પરિવારના નામોની જાહેર કરાયા હતા.

કાર્યક્રમના પ્રારંભે મોતીભાઈ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. કેશવલાલ શાહ, પ્રભુલાલ શાહ, હર્ષદ શાહ, નરેન્દ્ર શાહ, રાજુભાઈ શાહ, કાંતિલાલ શાહ, અમૃતલાલ શાહ તથા ગુંજન શાહે વક્તવ્યો આપ્યાં હતાં. વક્તાઓએ પારિવારિક એકતા, પરસ્પર સ્નેહ, વડીલો પ્રત્યે આદર, નવી પેઢી સાથે સંવાદ અને પરિવારની પરંપરાઓને જાળવી રાખવાની આવશ્યકતા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન દૃષ્ટિ બ્રિજેશ શાહે કર્યું હતુ. તેવું એક યાદીમાં જૈન અગ્રણી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.