ભાવનગરથી ભુજ સુધી સીધી ટ્રેન માટે પ્રયાસો

રેલવે મંત્રી સમક્ષ રજૂઆત બાદ વર્ષો જૂની માંગ પૂરી થવાની આશા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને ભાજપ પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની પહેલ

સૌરાષ્ટ્રના ભાવનગર અને કચ્છના ભુજ વચ્ચે સીધી રેલવે સેવા શરૂ કરવાની વર્ષો જૂની લોકમાગણી હવે સાકાર થાય તેવા સંજોગો ઊભા થયા છે. આ માટે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા માજી સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પહેલ કરી રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

આ ટ્રેન શરૂ કરાવવા પ્રયત્નશીલ રહેતા ભુજના એડવોકેટ અને નોટરી ભગીરથસિંહ એન. રાણાએ જણાવ્યું હતું કે હાલમાં ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચે લોકલ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ છે. આ ટ્રેનને ધ્રાંગધ્રા સાથે જોડાણ આપી ભુજ સુધી લંબાવવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છના મુસાફરોને સીધો લાભ મળી શકે છે.

વર્ષોથી કરવામાં આવતી આ રજૂઆતોને હવે વરિષ્ઠ રાજકીય નેતાઓના સહયોગથી રેલવે મંત્રાલય સુધી મજબૂત રીતે પહોંચાડવામાં આવી રહી છે. ભાવનગર-ભુજ સીધી ટ્રેન શરૂ થાય તો ધાર્મિક પ્રવાસનને મોટો ફાયદો થઈ શકે છે. કચ્છના શ્રદ્ધાળુઓને બોટાદથી આશરે 10 કિ.મી. દૂર સાળંગપુર હનુમાન મંદિર, ગઢડા (30 કિ.મી.), સિહોરથી આશરે 30 કિ.મી. દૂર પાલીતાણા જૈન તીર્થ તથા ભાવનગરના ખોડિયાર માતાજી મંદિર સુધી પહોંચવામાં સરળતા રહેશે. તેવું તેમણે કહ્યું હતું.

બીજી તરફ સૌરાષ્ટ્રમાંથી કચ્છના વિશ્વવિખ્યાત રણોત્સવ, માતાના મઢ, નારાયણ સરોવર અને ભદ્રેશ્વર જૈન તીર્થધામની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને પણ સીધી રેલવે સેવાનો આથી લાભ મળશે. પરિણામે કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી ગતિ મળી શકે છે. ઉપરાંત કચ્છ અને ભાવનગર-સુરેન્દ્રનગર જિલ્લાઓ વચ્ચે વિવિધ સમાજોના ગાઢ સામાજિક અને લગ્નસંબંધો છે. આવા પરિવારોને અવરજવરમાં મોટી રાહત મળશે. કચ્છમાં નોકરી-ધંધા અર્થે સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે પણ આ ટ્રેન આશીર્વાદરૂપ બની શકે છે. તેવું પણ જણાવાયું છે.