ધોરડો‌ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

પાણી વિતરણ, ખેડૂતોને સરકારી જમીન ફાળવણી સહિતના પ્રશ્નોની થઈ ચર્ચા

 કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ભુજ તાલુકાના ધોરડો ગામે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવીને નાગરિકોના વિશાળ હિતમાં કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.

ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ તાલુકાના હાજીપીર, ભીટારા, લુણા સહિત બન્ની વિસ્તારના ગામોમાં પીવાના પાણીના વિતરણની સમસ્યા અંગેના પ્રશ્નની રજૂઆત કરી હતી. તેમણે સમગ્ર કચ્છના પીવાના પાણી વિતરણની વ્યવસ્થાને સુદઢ બનાવવા માટે આયોજનપૂર્વક કામગીરી કરવા માટે જણાવ્યું હતું.

કચ્છ કલેક્ટરએ બેઠકમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં નાગરિકોને પીવાનું પાણી કોઈ જ મુશ્કેલી વગર ઉપલબ્ધ થાય એ જ વહીવટીતંત્રની પ્રાથમિકતા છે. પાણી વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકારીઓને સંકલન કરીને કામગીરી કરવા તેમણે સૂચના આપી હતી. ખાસ કરીને બન્ની વિસ્તારના ગામડાઓમાં પાણીનું વિતરણ જરૂરિયાત મુજબ થાય તે માટે ચોક્કસ એક્શન પ્લાન ઘડવા તેમણે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

સંકલન બેઠકમાં રજૂ થતાં પ્રશ્નોને પ્રાથમિકતાના ધોરણે નિકાલ કરવા તમામ અધિકારીઓને સૂચના અપાઈ હતી. તો જનપ્રતિનિધિશ્રોના પ્રશ્નોના ત્વરીત ઉકેલ માટે સબંધિત અધિકારીઓને આંતરીક સંકલન કરીને નિકાલ કરવાનું જણાવીને જરૂરી માર્ગદર્શન સમાહર્તાએ પુરું પાડ્યું હતું.

બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટરશ્ પાર્થ કોટડીયા, ભુજ આરટીઓ અધિકારી અનિલ ગોસ્વામી, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા સહિત પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મામલતદારો , તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.