લખપત તાલુકાની હજારો હેક્ટર જમીન મીઠા ઉત્પાદન માટે કંપનીઓને ફાળવવા સામે વિરોધ

કલેક્ટરને આવેદનપત્ર અપાયું , ખારી જમીનમાં મીઠાના અગરો બનતાં આસપાસની ફળદ્રુપ ખેતીની જમીનને નુકસાન થવાની ભીતિ

લખપત તાલુકામાં મીઠાના ઉત્પાદન માટે ખાનગી કંપનીઓને મોટા પાયે જમીન ભાડે આપવા સામે કચ્છ લડાયક સંઘ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

આ મામલે સંઘના સ્થાપક-અધ્યક્ષ કે.ડી. જાડેજાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીન ફાળવણી તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.

આવેદનપત્રમાં લખપત તાલુકામાં નિધિ માઇનિંગ (હૈદરાબાદ)ને 14,256 હેક્ટર, વ્હાઇટ બર્ડ સોલ્ટ કંપનીને 1,514 હેક્ટર અને GHCL કંપનીને 649 હેક્ટર જમીન ફાળવવામાં આવી હોવાનો ઉલ્લેખ કરાયો છે.

સંઘે આક્ષેપ કર્યો છે કે ખારી જમીનમાં મીઠાના ઉત્પાદન માટે પાણીના મોટા જથ્થાનો સંગ્રહ કરવામાં આવશે, જેના કારણે ખારા પાણીના રિસાવાથી આસપાસનાં ગામોની ફળદ્રુપ જમીન અને ખેડૂતોની ખેતીને નુકસાન થવાની શક્યતા છે. પરિણામે ઉપજાઉ જમીન બંજર બની શકે છે અને સ્થાનિક ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.

આ ઉપરાંત કચ્છ અને લખપતના સ્થાનિક યુવાનોને રોજગારી કે અન્ય આર્થિક લાભ મળતો ન હોવાનો, જ્યારે બહારના લોકોને કામે રાખવામાં આવતા હોવાનો પણ આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.

કચ્છ લડાયક સંઘે ખેડૂતોની જમીન, સ્થાનિક રોજગારી અને ગ્રામ્ય જનજીવનના હિતને ધ્યાનમાં રાખીને કંપનીઓને કરવામાં આવેલી જમીન ફાળવણી તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.