રણોત્સવ ટેન્ટ સિટી, રિસોર્ટ અને હોટલના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

ભુજ ફાયર વિભાગ દ્વારા યોજવામાં આવેલો બે દિવસીય તાલીમ કાર્યક્રમ

વિશ્વપ્રસિદ્ધ ધોરડો રણોત્સવમાં દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભુજ ફાયર વિભાગ દ્વારા રણોત્સવ ધોરડો ખાતેના વિવિધ રિસોર્ટ અને ટેન્ટ સિટીના સ્ટાફને ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી.

પ્રવાસીઓની સુરક્ષાના ભાગરૂપે તા. ૧૯/૧૧/ અને તા. ૨૦/૧૧/ના ધોરડો રણોત્સવ ખાતે આવેલ વિવિધ ટેન્ટ, રિસોર્ટ અને હોટલોના સ્ટાફને ભુજ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અંગેની આ ખાસ તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન ભુજ ફાયર વિભાગના નિષ્ણાત અધિકારીઓ દ્વારા હોટલ, રિસોર્ટ તથા ટેન્ટના કર્મચારીઓને આગ લાગવાની આકસ્મિક ઘટના સમયે ત્વરિત અને સચોટ પગલાં કઈ રીતે લેવા તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમમાં ફાયર એક્સટિંગ્વિશર (અગ્નિશામક સાધનો) નો યોગ્ય ઉપયોગ, ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ કે રસોડામાં લાગતી આગને પ્રાથમિક તબક્કે જ કાબૂમાં લેવાની પદ્ધતિઓ, તેમજ આપાતકાલીન પરિસ્થિતિમાં પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા અંગેના લાઈવ ડેમો યોજવામાં આવ્યા હતા.