ગાંધીધામ કોર્ટનો ચુકાદો : સગીરા સાથે દુષ્કર્મ મામલે પરપ્રાંતીયને 20 વર્ષનો જેલવાસ

પરપ્રાંતિય શખસ ને ૨૦ વર્ષની સખત કેદ ફટકારતો કરાયો આદેશ

આરોપીને દંડ , ભોગ બનનારને વળતર ચૂકવવા માટે આદેશ

ગાંધીધામ શહેરના કિશોરીનું અપરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ત્રણ વર્ષ જુના બનાવમાં આરોપી મૂળ રાજ્ય બહારના વતની સુજીતકુમાર અખિલેશ વર્મા ( યાદવ )ને તકસીરવાન ઠેરવી તેને ૨૦ વર્ષની સખત કેદનો ચુકાદો અદાલત દ્વારા આપવામાં આવ્યો હતો.

વર્ષ 2023 માં આ બનાવ બન્યો હતો. આરોપી સુજીતકુમાર વર્મા દ્વારા 15 વર્ષ અને ચાર માસની વયની કિશોરીને લગ્નની લાલચ આપી તેનું અપરણ કરાયું હતું. આરોપી શખ્સ કિશોરી સાથે બદકામ કરવાના ઇરાદે ભોગ બનનારને હોટલમાં લઈ ગયો હતો જ્યાં તેણે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનારની માતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ગુનો દર્જ કરી આરોપી શખ્સની અટક કરી હતી તપાસ પૂર્ણ થતા પોલીસે આ શખ્સ સામે અહિની વિશેષ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસ કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ એમ. આર. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી. લેખિત , મૌખિક પુરાવા ચકાસ્યા બાદ ન્યાયાધીશ આર. જે. પટેલે, આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને જુદી જુદી કલમો હેઠળ 20 વર્ષની સખત કેદ તથા કુલ રૂપિયા 25,000 નો દંડ ફટકાર્યો હતો.

દંડની રકમ આરોપી ન ભરે તો વધુ એક વર્ષની કેદનો આદેશ કરાયો હતો તેમ જ ભોગ બનનાર ને વળતર પેટે રૂપિયા એક લાખ ચૂકવી આપવાનો પણ હુકમ કરાયો હતો.