સ્વદેશી ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ સાથે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ’ના સંદેશને સાકાર કરવા તથા દિવાળીના તહેવારને અનુરૂપ સ્થાનિક કારીગરો અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા કચ્છ લોકસભા દ્વારા ભુજમાં સાંસદ સ્વદેશી મેળો તા. 1 નવેમ્બરથી 5 નવેમ્બર, 2026 દરમિયાન ભુજના લોહાણા મહાજનવાડી ખાતે યોજાશે. મેળામાં સ્વદેશી ચીજવસ્તુઓ, ઘર સજાવટની સામગ્રી, માટીકામની વસ્તુઓ, હસ્તકલા સહિત વિવિધ સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ આયોજનનો મુખ્ય હેતુ સ્થાનિક કારીગરો, નાના વ્યવસાયકારો અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. તેવું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. મેળામાં દરરોજ સાંજે 4થી 10 વાગ્યા સુધી સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ યોજાશે. જ્યારે દરરોજ સાંજે 7 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી નાગરિકો ખરીદીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણી શકશે. દરમ્યાન આ અંતર્ગત તા. 1 નવેમ્બર રવિવારે ભુજ નવી લોહાણા મહાજન વાડી સ્થિત કતીરા પાર્ટી પ્લોટ ખાતે સાંજે છ વાગ્યે લોકગાયક વિશાલ ગઢવી અને દેવલબેન ગઢવીનો ભજનનો કાર્યક્રમ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજના સૌજન્યથી યોજાશે

