ભુજમા રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે યોજાઈ ‘રન ફોર યુનિટી’

પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના આયોજન તળે રાષ્ટ્રીય એકતાના રંગે રંગાયું ભુજ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી તેમજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંદેશ સાથે ‘રન ફોર યુનિટી’ માર્ચ શનિવારે ભુજ ખાતે યોજાઈ હતી. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રભારી સચિવ આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિત મહાનુભાવોએ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી રન ફોર યુનિટીને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ મહાનુભાવોએ રન ફોર યુનિટીમાં પોતે પણ સહભાગી થઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપ્યો હતો. રાજ્યમંત્રી શ્રી અમૃતિયાએ સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના સંદેશને અપનાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું હતું. રન ફોર યુનિટી ભુજ જ્યુબિલિ ગ્રાઉન્ડથી ટાઉનહોલ સર્કલ, આલ્ફ્રેડ સર્કલ, લેક વ્યુ હોટલ સર્કલ, મંગલમ ચાર રસ્તા, કલેક્ટર કચેરી ત્રણ રસ્તા પાસેથી પસાર થઈને પરત ભુજ જ્યુબિલિ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. સમગ્ર રૂટ પર ખાતે દેશભક્તિના નારાઓ સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.