એક્ટિવાની ડેકીમાંથી 19.51 ગ્રામ ગાંજો મળ્યો, 46,475નો મુદ્દામાલ જપ્ત
માંડવી તાલુકાના ગઢશીશા ગામે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ગઢશીશા-માંડવી હાઈવે પર ગૌશાળા પાસે રોડની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં એક્ટિવા સાથે ઊભેલા શખ્સની પોલીસે તપાસ કરતાં તેની ગાડીની ડેકીમાંથી 19.51 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, બે મોબાઈલ ફોન અને એક્ટિવા સહિત કુલ 46,475નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, ગઢશીશા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. રાણા અને કોઠારા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.કે. રાડાની આગેવાની હેઠળ પોલીસ ટીમે તા. 28 ઓક્ટોબરના આ કાર્યવાહી હાથ ધરી હતી. ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ગઢશીશા-માંડવી હાઈવે પર ગૌશાળા નજીક વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન, પ્રતાપનગર, ગઢશીશા ખાતે રહેતા શંકરભાઈ ગાભા ચૌહાણ (ઉં.વ. 54) એક આછા નીલા રંગની એક્ટિવા સાથે મળી આવ્યા હતા. તેની તપાસ કરતાં એક્ટિવાની ડેકીમાંથી ન્યૂઝપેપરના કાગળમાં વીંટાળેલી પડીકી મળી હતી. તેમાં લીલા અને ભૂરા રંગનો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવતાં એફએસએલના વૈજ્ઞાનિક અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક પરીક્ષણમાં પદાર્થ ગાંજો હોવાનું જણાયું હતું. પોલીસે ગાંજાનું ચોખ્ખું વજન 19.51 ગ્રામ નોંધ્યું હતું,. પોલીસની પૂછપરછમાં શંકરભાઈએ ગઢશીશા ગામની ચોકડી પાસેથી કોઈ અજાણ્યા સાધુએ ગાંજો આપ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, સાધુનું નામ કે અન્ય વિગતો તે જાણતો ન હોવાનું જણાવાયું છે.

