રોહા સુમરી પાસે ટ્રેઈલર હડફેટે 16 બકરાંનાં મોત

નલીયા-ભુજ હાઇવે પર નધયુકત ટ્રેલરચાલકે અકસ્માત સર્જ્યો, ઘાયલ પશુઓને સારવાર અપાવાઈ

નખત્રાણા તાલુકાના રોહા સુમરી નજીક નલીયા-ભુજ હાઇવે પર ટ્રેલર ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાતાં માલધારીનાં 16 બકરાંનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં અન્ય બકરાં ઘાયલ થતાં પશુપ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. નશાની હાલતમાં વાહન ચલાવવાના આક્ષેપ સાથે બેદરકાર વાહનચાલકો સામે કડક પગલાં લેવાની માંગ ઊઠી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રોહા સુમરી નજીક હાઇવે પરથી ટ્રેલર પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ટ્રેલરચાલકે કથિત રીતે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરતાં માલધારી નૂરમામદ હજામનાં બકરાં તેની અડફેટે આવી ગયાં હતાં. ટ્રેલરનાં પૈડાં નીચે આવી જતાં 16 બકરાંનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બકરાંને ઈજાઓ પહોંચી હતી .
આ ઘટનાને પગલે માલધારી નૂરમામદ હજામને એકસાથે આટલાં બકરાંનાં મોતથી ભારે નુકસાન થયું છે. અકસમાતની જાણ થતાં રોહા ગામના સરપંચ નીતિનગીરી ગોસ્વામીએ તાત્કાલિક 1962 પશુ સારવાર સેવાને જાણ કરી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે જરૂરી મદદ પહોંચાડીને ઘાયલ બકરાંને સારવાર અપાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બીજી તરફ, ટ્રેલરચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપને પગલે સમગ્ર ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. પશુપ્રેમીઓએ નશામાં વાહન ચલાવતા અને બેફામ ડ્રાઇવિંગ કરતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ અકસ્માત અંગે ટ્રેલરચાલકની નશાની સ્થિતિ અને અન્ય વિગતોની સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી.