૩૦મી ઓક્ટોબરે ઉજવણી પ્રભારી મંત્રી અને પદાધિકારીઓની હાજરીમાં જિલ્લામાં ૭૫ સ્થળે
રાષ્ટ્રવ્યાપી પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અંતર્ગત કચ્છમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ તા. ૩૦ ઓક્ટોબરના સવારે નવ વાગ્યે ગોકુલધામ સમાજવાડી, કોટડા ઉગમણા ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસકાંઠાના ભીલડી ખાતેથી ભારત બોવાઈન બ્રિડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ દિવસે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાની દેશ અને ગુજરાતના ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી માધ્યમથી ચૂકવણી કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના ૩૪ જિલ્લાઓ અને ૧૦૯૦ જેટલી પંચાયત સીટ દીઠ આ કાર્યક્રમ યોજાશે.
કચ્છ જિલ્લામાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ અને દરેક પંચાયત સીટ દીઠ બે કાર્યક્રમ એમ કુલ ૭૫ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના બનાસકાંઠા ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત સબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત, સરકારની યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવશે. વધુમાં આ કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતો તેમજ કૃષિ લાભાર્થીઓનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન પણ કરવામાં આવશે.

