નવી દિલ્હીમાં ‘ભારત ઇન્ટરનેશનલ રાઇસ કોન્ફરન્સમાં 120થી વધુ દેશના 30 હજાર પ્રતિનિધિ જોડાયા

દીનદયાળ પોર્ટ અને ગાંધીધામ ચેમ્બરે પણ સક્રિય ભાગ લઈ સુઝાવ આપ્યા

ભારતના ચોખા નિકાસ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા અને કૃષિ-વેપારથી લઈને શિપિંગ તથા લોજિસ્ટિક્સ સુધીની સમગ્ર મૂલ્યશૃંખલાને નવી દિશા આપવાના હેતુથી 23થી 25 ઓક્ટોબર, 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ (પ્રગતિ મેદાન) ખાતે ભારત ઇન્ટરનેશનલ રાઇસ કોન્ફરન્સ 2026 યોજાઈ હતી. જેમાં દીનદયાળ પોર્ટ અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ સુઝાવ અપાયા હતા. ઇન્ડિયન રાઇસ એક્સપોર્ટર્સ ફેડરેશન દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. પ્રેમ ગર્ગના નેતૃત્વ હેઠળ સંપૂર્ણપણે આયોજિત આ સંમેલનને વિશ્વની સૌથી મોટી રાઇસ કોન્ફરન્સ તરીકે વર્ણવવામાં આવી છે. આ પરિષદનું ઉદ્ઘાટન કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાનના હસ્તે કરવામાં આવ્યું હતું. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
પૂર્વ લોકસભા સાંસદ પ્રદીપ ગાંધી, APEDAના પ્રતિનિધિઓ, વિવિધ દેશોના રાજદ્વારીઓ, આંતરરાષ્ટ્રીય ખરીદદારો, ચોખા નિકાસકારો, મિલમાલિકો, શિપિંગ લોજિસ્ટિક્સ નિષ્ણાતો, કૃષિ સંશોધકો અને IREFના રાષ્ટ્રીય ઉપપ્રમુખ દેવ ગર્ગ સહિતના હોદ્દેદારોએ પરિષદમાં ભાગીદારી નોંધાવી હતી. પરિષદમાં 120થી વધુ દેશોના 30,000થી વધુ પ્રતિનિધિઓ જોડાયા હતા. પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય ચોખા નિકાસકારો અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો વચ્ચે સીધા વ્યાપારી સંબંધો સ્થાપિત કરવાનો રહ્યો હતો. બાસમતી અને નોન-બાસમતી ચોખા માટે નવા વૈશ્વિક બજારો શોધવા, નિકાસ કરારો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય પેકેજિંગ અને ગુણવત્તાના ધોરણો સમજવા તથા મૂલ્યવર્ધિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સંમેલનમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટીના સચિવ વાય. કે. સિંહ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે વેલ્યુ-એડેડ રાઇસ પ્રોડક્ટ્સ આધારિત નોલેજ સેશન દરમિયાન ચોખાની નિકાસમાં બંદરો, શિપિંગ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના શિપિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના પ્રતિનિધિઓ નરેન્દ્ર રામાણી, વિનોદ પિલ્લાઈ, સુરોજિત ચક્રવર્તી, સંજુ પેરમલ, નિકિત રામદાસાણી, તુલસી ગુપ્તા, તપસ નાયક, રાકેશ ગુર્જર, રાહુલ તન્ના અને અન્ય સભ્યોએ ઉપસ્થિત રહીને કંડલા કચ્છ પ્રદેશના દરિયાઈ વેપાર અને ચોખા નિકાસ ઉદ્યોગ વચ્ચેના મજબૂત સંબંધોને ઉજાગર કર્યા હતા. નરેન્દ્ર રામાણી (વરિષ્ઠ કારોબારી સભ્ય, ગાંધીધામ ચેમ્બર) દ્વારા ચોખા નિકાસકારો અને શિપિંગ-લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે સહયોગ, જ્ઞાનની આપ-લે અને નવા વ્યાવસાયિક અવસરો ઊભા કરતું મંચ બન્યું છે. ભારતની નિકાસને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા કાર્યક્ષમ લોજિસ્ટિક્સ અને મજબૂત બંદર વ્યવસ્થા અનિવાર્ય છે”. તેમ કહ્યું હતું. તેજાભાઈ કાનગડ (પ્રમુખ, ગાંધીધામ ચેમ્બર)એ IREF અને ડૉ. પ્રેમ ગર્ગને આંતરરાષ્ટ્રીય સંમેલનના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું કે આવા આયોજનો દેશના વેપાર, ઉદ્યોગ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે. મહેશ તીર્થાણી માનદ મંત્રી, ગાંધીધામ ચેમ્બરએ ઉમેર્યું કે ચોખા નિકાસ સાથે સંકળાયેલા તમામ ક્ષેત્રોને એક મંચ પર લાવવાની IREFની આ પહેલ સરાહનીય છે, જે ઉદ્યોગો વચ્ચે સંકલન વધારીને વેપારની કાર્યક્ષમતા અને આંતરરાષ્ટ્રીય સંબંધોને વધુ મજબૂત બનાવે છે.