સાઇટ એન્જિનિયર સહિત ચાર સામે ફરિયાદ, આંતરિક તપાસમાં ખુલ્યો ભેદ
ભુજ તાલુકામાં ખાવડા નજીક આર.ઈ. પાર્કમાં ચાલી રહેલા સોલાર પ્રોજેક્ટમાં અક્ષર ઇલેકઇન્ફ્રા પ્રા.લિ. કંપનીમાંથી 24.70 લાખની કિંમતની 200 કોપર બસબાર પ્લેટ ચોરી થયાનો મામલો બહાર આવ્યો છે. કંપનીના સેફટી મેનેજર ઇન્દ્રજીત રામદેવ યાદવની ફરિયાદના આધારે પોલીસે સાઇટ એન્જિનિયર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બનાવની પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી ઇન્દ્રજીત યાદવ છેલ્લા અક્ષર ઇલેકઇન્ફ્રા પ્રા.લિ.માં સેફટી મેનેજર તરીકે નોકરી કરે છે. કંપની આર.ઈ. પાર્કમાં સોલાર પ્રોજેક્ટનું ઇલેક્ટ્રિકલ કામ પેટા કોન્ટ્રાક્ટ હેઠળ કરે છે. આર.ઈ. પાર્કમાં કંપનીની 9થી 14 સુધી કુલ છ સાઇટ કાર્યરત છે. તા.13/10ના સાઇટ નં. 9ના ઇન્ચાર્જ અમીતકુમાર પંડીતે બસબાર ચોરીની જાણ કરી હતી.કંપનીમાં તપાસ દરમિયાન સાઇટ એન્જિનિયર રોહિત ક્રિષ્નકાંત ત્યાગીની પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં પ્લેટો કામમાં વપરાઈ ગઈ હોવાનું જણાવ્યા બાદ વધુ પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. રોહિત ત્યાગીએ જણાવ્યા મુજબ તેણે રવિન્દ્રકુમાર મહાવીર, સીંગોદાદી, સીકર, રાજસ્થાન, પવનકુમાર નેમારામ મુંડ, ગિરધારીપુરા-ધ્યાવા, નાગૌર, રાજસ્થાન તથા રાહુલ મુકેશકુમાર, દયાલપુરા, ડીડવાના, નાગૌર, રાજસ્થાન સાથે મળી 28/09/થી 03/10/ દરમિયાન આ ચોરી કરી હતી. ચોરાયેલી વસ્તુઓમાં 98 મોટી કોપર બસબાર પ્લેટ, તથા 102 નાની પ્લેટ મળી કુલ 24.70 લાખનો મુદ્દામાલ સામેલ છે. આરોપીઓ પ્લેટો લઈ ગયા બાદ તેમના મોબાઇલ બંધ આવતા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. તેમ પોલીસે જણાવ્યું હતું.

