મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત અને પશુપાલકો માટે નિર્ણય, ખેડૂતોના પાક નુકસાન સામે હેક્ટર દિઠ ૮૫૦૦ રૂપિયા ૨ હેક્ટરની મર્યાદામાં અપાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઓછો અને વિલંબિત વરસાદ ધરાવતાં ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો ખેડૂતો અને પશુપાલકોના હિતમાં નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સમક્ષ આ જાહેરાત કરતાં જણાવ્યું કે, ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-૨૦૧૬ અનુસાર જરૂરી પ્રક્રિયાઓ કરીને તથા ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને આ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં આ વર્ષે સરેરાશ ૮૯ ટકા જેટલો વરસાદ થયો છે પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. તેના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં ખેડૂતોની પડખે ઉભા રહેવા રાજ્ય સરકારએ નિર્ણયો કર્યા છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સરકાર ખેડૂતો અને પશુપાલકોના વિશાળ હિતને હંમેશા પ્રાથમિકતા આપે છે. ભૂતકાળમાં પણ ખેડૂતોની મુશ્કેલી સમયે સરકાર પડખે ઉભી રહી છે. વર્તમાન સ્થિતિમાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ ખેડૂતો-પશુપાલકોની આપત્તિના કોઈપણ સમયે જે મદદ સહાય કરવી પડે તે માટે પુરેપુરી પ્રતિબદ્ધ છે. દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો અને પશુપાલકો માટે જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, આ જિલ્લાના ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે SDRFના ધોરણો મુજબ અસરગ્રસ્ત પાકો માટે સહાય આપવાનો જે નિર્ણય કર્યો છે તે મુજબ ૮૫૦૦ રૂપિયા પ્રતિ હેક્ટર ૨ હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય અપાશે. પશુઓ માટે ઘાસચારાની જે વ્યવસ્થા રાજ્ય રાજ્ય સરકારે કરી છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે વિલંબિત વરસાદની સ્થિતિ ધ્યાને લઈને આગોતરુ આયોજન કર્યુ અને ખેડૂતો-પશુપાલકોના હામી બનીને દુષ્કાળ જાહેર થયા પહેલા રાજ્યમાં જૂન-જૂલાઈ-૨૦૨૬થી જ સમગ્ર રાજ્યમાં રાહતદરે ઘાસચારો વિતરણ કરવા માટેની મંજૂરી આપીને જિલ્લા કલેક્ટરોને ઘાસ વિતરણ માટે ખાસ કિસ્સામાં અધિકૃત કરવામાં આવ્યા છે. પશુ કેમ્પના પશુઓ માટે પશુ દિઠ રોજના રૂ. ૮૦ની સહાય બે મહિના માટે SDRFમાંથી ચૂકવવામાં આવશે અને પશુપાલકોના વિશાળ હિતમાં ત્યારબાદ રાજ્ય સરકાર આવી સહાયનો ખર્ચ ઉઠાવશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૧.૨૧ કરોડ કિલોગ્રામ જેટલા ઘાસના જથ્થાનું ૨ રૂપિયા પ્રતિકિલોના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પાસે અત્યારની સ્થિતિએ ૩ કરોડ કિલોગ્રામ ઘાસ ઉપલબ્દ્ધ છે અને વધારાના ઘાસની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
શ્રી પટેલે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે જે તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે તેમાં ગ્રામીણ લોકોને રોજગારી મળી રહે તે માટે વી.બી.જી. રામ જી. યોજના અન્વયે ૧૫૦ માનવદિન રોજગારી આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કરેલા આ નિર્ણયોનો અમલ તા. ૦૧/૧૧/૨૦૨૬થી કરવામાં આવશે તેમ તેમણે જાહેર કર્યુ હતું.
દરમિયાન રાજ્યમાં સિંચાઈ માટે પાણીની સ્થિતિ જોઈએ તો વિવિધ ડેમોમાંથી ખરીફ રૂતુમાં માંગણીના આધારે ૪૪ ડેમોના કમાન્ડ એરિયામાં પાણી આપવામાં આવ્યું છે. ચાલુ વર્ષે રાજ્યના મુખ્ય ૨૦૬ ડેમોમાં ૬૬ ટકા જળ સંગ્રહ થયેલ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી રવિ સિઝન માટે ૭૬ ડેમોના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કર્યુ છે. સાથોસાથ પીવાના પાણીને પણ પ્રાથમિક્તા આપીને તા. ૩૦/૦૬/૨૦૨૭ સુધી પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું છે.

