ટ્રેન તળે ગૌવંશનાં મૃત્યુમાં વિરોધ બાદ અદાણીની ખાતરી

ચાર મુખ્ય માંગણી સ્વીકારવા સાથે ત્વરિત અમલની અપાઈ લેખિત બાંહેધરી

મુન્દ્રા તાલુકામાં નવીનાળ-શિરાચા નજીક મુંદરા પોર્ટને સાંકળતી રેલવે લાઇન પર માલગાડીની હેડફેટે ગૌવંશનાં મૃત્યુના મામલે અદાણી કંપનીએ ચાર મુખ્ય માંગણી સ્વીકારી છે. ગાયને ધાસચારા સાથે યોગ્ય વળતર સાથે ભવિષ્યના જોખમે અંગે અદાણી કંપની યોગ્ય પગલા ભરશે તેવી ખાતરી અપાઈ છે. માલધારીઓએ માહિતી આપતા જણાવ્યુ હતુ. કે બુધવારની ઘટનામાં વિવિધ પશુપાલકોના ગૌવંશના પશુઓ મૃત્યુ પામ્યા હતા. આવી ઘટના વારંવાર થાય છે,પણ યેનકેન પ્રકારે બહાર આવતી નથી .તેવા આરોપ સાથે ફેન્સિંગ અને સુરક્ષાનાં પગલાં લેવાવાં જોઈએ તેવી માંગ કરતા પોલીસ પણ દોડતી થઇ હતી. અગ્રણીઓએ સ્પષ્ટ રીત ધટનાને દુખદ ગણાવી યોગ્ય કાર્યવાહીની માંગ સાથે વિરોધ શરૂ કર્યો હતો. વિવિધ અગ્રણીઓએ ગેટ સુરક્ષા, નિયમિત ચારો વગેરે માગણી મૂકી હતી. સાથે ફેન્સિંગ કરી કાયમી સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવાયો હતો. વિરોધ સાથે ચક્કાજામ થયો હતો. જો કે સ્થાનીકોના આ વિરોધ પછી અદાણીએ યોગ્ય કરવાની લેખિત ખાતરી આપી છે.
અદાણી પોર્ટ્સ અને રેલવે મેનેજમેન્ટ ટીમ દ્વારા ઝરપરા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને સંબોધીને એક ખાતરી પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં ગાયો માટે ઘાસચારાથી લઈને રેલવે ટ્રેક પર પશુઓની સુરક્ષા માટે નિર્ણયો લેવાયા છે. અદાણી કંપનીએ પશુપાલકોના હિત માટે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. અદાણી સમુહે પશુપાલકો તથા ગ્રામજનોની માંગણીઓ લેખીતમાં સ્વીકારી છે. ઝરપરા ગામમાં ગાયો માટે શુક્રવારથી નિયમિત ધોરણે આશરે ૪૦૦ મણ ઘાસચારો કાયમી ધોરણે પૂરો પાડવામાં આવશે.ભવિષ્યમાં જો પશુઓની સંખ્યા વધશે તો જરૂરિયાત મુજબ ઘાસચારાનો જથ્થો પણ વધારી અપાશે. જેની સામે ગામની ગાયો કે પશુધન અદાણી પોર્ટ અને SEZ વિસ્તારમાં પ્રવેશ ન કરે તેની તકેદારી પશુપાલકોએ રાખવાની રહેશે. આ ઉપરાંત, ભરાડીમાતા અંડરપાસમાંથી પશુઓ અને લોકો સહેલાઈથી અવરજવર કરી શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય કરાયો છે. સાથે રેલવે ટ્રેક પર થતા અકસ્માતો અટકાવવા માટે ટ્રેકની બંને બાજુથી બાવળ દૂર કરવામાં આવશે અને ઘાસ ન ઊગે તે માટે દવાનો છંટકાવ કરાશે.સાથે જ જરૂરિયાત મુજબ ટ્રેકની બંને બાજુ ફેન્સિંગ (ઝાડી) પણ કરવામાં આવશે.પશુઓની અવરજવર પર સતત નજર રાખી શકાય તે માટે રેલવે મેનેજમેન્ટ દ્વારા ‘કેટલમેન’ની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.સાથે તાજેતરમાં મરણ પામેલ પશુઓ માટે પશુપાલકોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે.તેમજ ઘાયલ થયેલા પશુઓની સારવાર માટે નાણાકીય સહયોગ આપવા પશુપાલકો સાથે રૂબરૂ ચર્ચા કરી મદદ કરવામાં આવશે. તેવી કંપની અને અદાણી રેલવે મેનેજમેન્ટ ટીમએ ખાતરી આપી છે.