બે-બે વખત હંગામી ભરતી પછીયે અનેક શાળામાં માસ્ટરની અછત કાયમ, હવે કાયમી ઉકેલ જરૂરી
આગામી 22 ઓક્ટોબરથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રથમ સત્રાંત પરીક્ષાઓ શરૂ થવાની છે. આવા સમયે પણ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ ધરાવતી શાળાઓનો પ્રશ્ન એ જ ગંભીર હાલતમાં છે. અનેક શાળાઓમાં મહેકમ મુજબ પૂરતા શિક્ષકો ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને અધૂરા અભ્યાસ સાથે પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. પચ્છમ કચ્છ શિક્ષણ પરિષદના અધ્યક્ષ ઉમરભાઈ સમાએ આ સ્થિતિ વચ્ચે લાંબા સમયના આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે તાત્કાલિક ત્રીજા રાઉન્ડની ભરતી કરવાની માંગ કરી છે.
આ બાબતની રજુઆતમાં જણાવાયું છે કે, કચ્છ જિલ્લાની શિક્ષકોની ઘટ ધરાવતી શાળાઓમાં ત્રીજા રાઉન્ડની ભરતી શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક શક્ય ન હોય તો સ્થાનિક સ્તરે લાયકાત ધરાવતા ઉમેદવારોની હંગામી ભરતી કરવાની સત્તા સંબંધિત શાળા સમિતિઓને આપવામાં આવે, જેથી ખાલી જગ્યાઓ ઝડપથી ભરી શકાય. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ બે વખત હંગામી ભરતી કરવામાં આવી હોવા છતાં અનેક શાળાઓમાં શિક્ષકોની અછત યથાવત્ હાલતમાં છે. પરિણામે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. ખાસ કરીને પરીક્ષાઓ નજીક આવી પહોંચી છે ત્યારે અભ્યાસક્રમ પૂર્ણ કરાવવા અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે યોગ્ય તૈયારી કરાવવા પૂરતા શિક્ષકોની ઉપલબ્ધતા અત્યંત જરૂરી બની ચુકી છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી જોઈએ. માત્ર પરીક્ષા યોજી દેવી પૂરતી નથી, પરંતુ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને પૂરતું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે પણ જરૂરી શિક્ષકબળ ઉપલબ્ધ કરાવવું જરૂરી છે. તેવી લાગણી વ્યક્ત કરાઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા વિલંબ કર્યા વિના ત્રીજા રાઉન્ડની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે અથવા સ્થાનિક લાયકાત ધરાવતા ઉમેદવારોની હંગામી ભરતી માટે શાળા સમિતિઓને સત્તા આપવામાં આવે, તેવી પચ્છમ કચ્છ શિક્ષણ પરિષદએ માંગ કરી છે.

