” મિશન ડિફેન્સ ” દેશના ૨૪ પત્રકારએ ત્રણ અઠવાડિયા સુધી સરહદો પર લીધી સૈન્ય તાલીમ

કલમના કસબીઓએ સૈન્યની ત્રણેય પાંખની કામગીરી નજીકથી નિહાળી

મુંબઈ: ભારતીય સેનાના જવાનો કઈ કઠિન પરિસ્થિતિઓમાં દેશની રક્ષા કરે છે, તે રૂબરૂ સમજવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા ખાસ ‘ડિફેન્સ કોરેસ્પોન્ડન્ટ્સ કોર્સ’ યોજાયો હતો. ત્રણ અઠવાડિયાના આ વાર્ષિક તાલીમ કાર્યક્રમમાં દેશભરમાંથી પસંદ કરાયેલા ૨૪ પત્રકાર જોડાયા હતા, જેમાં ‘ધ ફ્રી પ્રેસ જર્નલ’ મુંબઇના સિનિયર રિપોર્ટર મૂળ ભુજ કચ્છના ધૈર્ય ગજરા પણ સામેલ હતા. સતત ૩ અઠવાડિયા સુધી ચાલેલી આ રોમાંચક અને સઘન સૈન્ય તાલીમનું હાલમાં જ સમાપન થયું હતું.
આ તાલીમનો મુખ્ય હેતુ મીડિયા અને મિલિટરી વચ્ચેના અંતરને ઓછો કરવાનો હતો. પત્રકારોની આ સફર માત્ર ક્લાસરૂમ પૂરતી સીમિત નહોતી, પણ તેઓને ત્રણેય સેનાની કામગીરી ખૂબ નજીકથી બતાવવામાં આવી હતી:
આ કોર્સની શરૂઆત વિશાખાપટ્ટનમથી થઈ હતી. જ્યાં પત્રકારોને દરિયાઈ સરહદોની સુરક્ષા, સબમરીન અને શિપ ઓપરેશન્સ તેમજ ઊંડા સમુદ્રમાં નજર રાખવાની સૈન્ય ટેકનિક વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મીડિયા કર્મીઓએ ઈસ્ટર્ન એર કમાન્ડના ફોરવર્ડ એર બેઝની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે એરફોર્સના ટેક્ટિકલ એરલિફ્ટ, ફાઈટર જેટ્સની યુદ્ધની તૈયારીઓ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં લોજિસ્ટિક્સ કેવી રીતે કામ કરે છે તેનો લાઈવ અનુભવ મેળવ્યો હતો. જ્યારે થલસેના (આર્મી) ટ્રેનિંગનો છેલ્લો અને સૌથી પડકારજનક તબક્કો અરુણાચલ પ્રદેશના તેંગા, બુમલા પાસ અને ‘હોલી વોટરફોલ’ જેવા અત્યંત દુર્ગમ વિસ્તારોમાં યોજાયો હતો. અહીં પત્રકારોએ પહાડી વિસ્તારોમાં થતા યુદ્ધો સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઘૂસણખોરી સામે લડવાની આર્મીની વ્યુહરચનાને નજરે નિહાળી હતી.
તાલીમ દરમિયાન ગજરાજ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ, લેફ્ટનન્ટ જનરલ નીરજ શુક્લાએ પત્રકારોને સંબોધતા એક મહત્વની વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, આજની દુનિયામાં માત્ર હથિયારોથી જ યુદ્ધ નથી લડાતા, પણ ખોટી માહિતી સામે સાચી માહિતી પહોંચાડવી પણ એટલી જ જરૂરી છે. જનતા સુધી સાચો સેનાનો પક્ષ પહોંચાડવામાં અને દેશની સુરક્ષાના માહોલને મજબૂત કરવામાં પત્રકારોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. (સૌજન્ય રિપોર્ટ ધી ફ્રી પ્રેસ જર્નલ ગ્રૂપ.)