મુંદ્રામાં વધતી ચોરી, દબાણો સામે રોષ

પોલીસને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની કરાઈ માંગ

મુંદ્રા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, વધતી ચોરીઓ તેમજ સરકારી તથા ગૌચરની જમીન પરના ગેરકાયદેસર દબાણોને અટકાવવા માટે મુંદરાના વિવિધ સમાજ, જ્ઞાતિ મંડળો અને વેપારી સંગઠનો દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર ને સંયુક્ત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, શાંત અને ઐતિહાસિક મુંદ્રા શહેરમાં તાજેતરમાં ચોરી, લૂંટફાટ અને ઘરફોડ ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ભયનો માહોલ છે. આ ગુનાહિત પ્રવૃત્તિઓ પાછળનું મુખ્ય કારણ બહારથી આવીને વસેલા અજાણ્યા મજૂરો અને શંકાસ્પદ વ્યક્તિઓ છે. સરકારી તેમજ ગૌચરની જમીનો પર કરવામાં આવેલા મોટાપાયાના ગેરકાયદેસર દબાણો અને ઊભી કરાયેલી ઝૂંપડપટ્ટીઓ પણ આ માટે એટલી જ જવાબદાર છે. તેમ આ રજુઆતમાં જણાવાયું હતું.
આવેનપત્ર મુજબ સૌથી ગંભીર બાબત એ છે કે આ દબાણોની આડમાં બાંગ્લાદેશી અથવા રોહિંગ્યા જેવા શંકાસ્પદ વિદેશી ઘૂસણખોરો કોઈપણ જાતના પોલીસ વેરિફિકેશન કે સત્તાવાર ઓળખપત્ર વગર છૂપી રીતે વસી ગયા હોવાની આશંકા છે. આ તત્વો સ્થાનિક રોજગારી, શાંતિ અને સલામતીને નુકસાન પહોંચાડી રહ્યા છે. મુંદ્રામાં ગેરકાયદેસર દબાણ કરીને વસેલા તમામ શંકાસ્પદ તથા અન્યોની ત તપાસ માટે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવે તેવી માગણી કરાઈ હતી. સત્તાવાર ઓળખપત્રો વગર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને તાત્કાલિક અસરથી મુંદ્રામાંથી બહાર કાઢવામાં આવે, મકાનમાલિકો અને કોન્ટ્રાક્ટરો માટે બહારથી આવતા તમામ મજૂરોનું પોલીસ રજીસ્ટ્રેશન (વેરિફિકેશન) કરાવવું ફરજિયાત બનાવવામાં આવે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી રજુઆત આવેદનપત્રમાં કરવામાં આવી હતી. જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે, તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી તૈયારી પણ રજુઆત કરનારા દ્વારા બતાવાઈ હતી.