ભુજમાં શનિવારે ‘રન ફોર યુનિટી’ ગુંજશે રાષ્ટ્રીય એકતાનો નાદ

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પશ્ચિમ કચ્છ પોલીસનું આયોજન

અખંડ ભારતના શિલ્પી, ભારતના લોખંડી પુરુષ અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબર શનિવારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અવસરે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશની અખંડિતતા પ્રત્યેની ભાવના વધુ મજબૂત બને તેવા ઉદ્દેશ સાથે પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા દ્વારા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 31 ઓક્ટોબરના સવારે 6 વાગ્યે યોજાશે. રાષ્ટ્રીય એકતાના સંદેશને જનજન સુધી પહોંચાડવા અને નાગરિકોમાં સામૂહિક એકતા તથા દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસાવવા આ દોડ યોજાઈ રહી હોવાનું જણાવાયું છે.
‘રન ફોર યુનિટી’ના માધ્યમથી ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્રભાવના, શિસ્ત, એકતા અને અખંડિતતાનાં મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવશે. સરદાર પટેલે દેશનાં વિવિધ રજવાડાંના એકીકરણમાં ભજવેલી ઐતિહાસિક ભૂમિકાની સ્મૃતિમાં ઉજવાતા રાષ્ટ્રીય એકતા દિવસને જનભાગીદારીથી વધુ અર્થપૂર્ણ બનાવવાનો પણ આ કાર્યક્રમનો આશય છે. તેવી વિગતો અપાઈ છે. કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક યુવાનોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. નોંધણી માટે રજિસ્ટ્રેશન લિંક: https://forms.gle/RTEXTh79V9GUrBTHD રહેશે. પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિત પોલીસ વિભાગ દ્વારા નાગરિકો અને યુવાનોને ‘રન ફોર યુનિટી’માં જોડાવા અપીલ કરવામાં આવી છે.