અંજારમાં પાણીના ચાર નવા ટેન્કરનું લોકાર્પણ

શહેરીજનોની સુખાકારી વધારવા સુવિધા ઉપલબ્ધ કરાઈ

રાજ્યમંત્રી ત્રિકમભાઈ બીજલભાઇ છાંગાના માર્ગદર્શન હેઠળ અંજાર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા શહેરની સુખાકારી વધારવાના ભાગરૂપે રૂપિયા બાર લાખ સાં
ઈઠ હજારના ખર્ચે પાણી વિતરણ માટે ચાર નવા ટેન્કર ખરીદવામાં આવ્યા છે. તેના લોકાર્પણનો કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે શ્રીમતી ખાંડેકાએ જણાવ્યું હતું કે, કોઈ યાંત્રિક સમસ્યા સર્જાય અને પાણી પુરવઠો પૂરો પાડવા માટેના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે. ઉપપ્રમુખ પરેશભાઈ માલસતરએ જણાવ્યું હતું કે, શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે અમે સતત જાગૃત છીએ. પાણી પુરવઠા સમિતિના ચેરમેન અમિતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, શહેરના છેવાડાના વિસ્તારો પણ પીવાના પાણીથી વંચિત ન રહે તે માટે નું આયોજન કરવામાં આવ્યું છે. આ નવા ચાર પાણીના ટેન્કર શહેરની પાણી પુરવઠાની સુવિધામાં વધારો કરશે. કાર્યક્રમનું સંચાલન શાસકપક્ષના નેતા આશિષભાઈ ઉદવાણીએ અને આભારવિધિ કારોબારી સમિતિ ચેરમેન પ્રકાશભાઈ લોદરીયાએ કરી હતી. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ સાથે વરૂણદેવ સહિતનું પૂજન કરાયું હતું. શાસ્ત્રોક્ત વિધિ દેવેનભાઈ કનકચંદ્ર વ્યાસે સંપન્ન કરાવી હતી.
ચીફ ઓફિસર અનિરુદ્ધસિંહ ઝાલા અને કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભીંડે ના માર્ગદર્શન હેઠળ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.