EARAZA વાર્ષિક કોન્ફરન્સ- 2026 માટે વનતારાએ વૈશ્વિક વન્યજીવ સમુદાયને જામનગરમાં એકત્ર કર્યો

વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમોના સંકલન, ડેટાના આદાન-પ્રદાન અને વન્યજીવ સંભાળના ભવિષ્યને નવો આકાર આપવા 30 દેશની 98 સંસ્થા અને ભારતની 29 સંસ્થાનું સંમેલન યોજાયું

યુરેશિયન રિજનલ એસોસિએશન ઓફ ઝૂ એન્ડ એક્વેરિયમ્સ’ (EARAZA)ની વાર્ષિક કોન્ફરન્સ 2026નું વનતારા દ્વારા 26થી 29 ઓક્ટોબર દરમિયાન આયોજન કરાયું છે. જેમાં 30 દેશની 98 સંસ્થાઓ અને ભારતની 29 ઝૂઓલોજિકલ સંસ્થાના અગ્રણીઓ, પશુચિકિત્સકો , વૈજ્ઞાનિકો અને વન્યજીવ સંરક્ષકો એક મંચ પર એકત્રિત થયા છે.
“વન્યજીવ સંરક્ષણ માટે વૈશ્વિક ભાગીદારીના સુદ્રઢીકરણ” થીમ આધારિત આ કોન્ફરન્સમાં સીમાડાઓને વિસરાવીને સંકલિત પગલાંને પ્રોત્સાહિત કરવા માટે સહિયારા જ્ઞાન અને ડેટા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ઉદ્ઘાટન સમારોહમાં ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર અને પર્યાવરણવિદ્ રિકી કેજ દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરાઈ હતી. ત્યારબાદ EARAZAના પ્રમુખ સ્વેત્લાના અકુલોવા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના પ્રો. રમણ સુકુમાર, તેમજ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના સભ્ય સચિવ ડૉ. વી. ક્લેમેન્ટ બેન દ્વારા દીપપ્રાગટ્ય કરાયું હતું. યજમાનપદેથી પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં વનતારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિવાન કરાણીએ જાહેરાત કરી હતી કે, તમામ EARAZA સભ્યોને એક વર્ષ માટે ‘ANTZ સોફ્ટવેર પ્લેટફોર્મ’ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાશે.
“વનતારાનો અર્થ થાય છે ‘વનનો તારો’. પરંતુ એક જ તારો સમગ્ર આકાશને પ્રકાશિત કરી શકતો નથી; તેના માટે સમગ્ર નક્ષત્રમંડળની જરૂર પડે છે. અમે અહીં માત્ર અમે જે નિર્માણ કર્યું છે તેની માહિતી આપવા માટે નથીઉપસ્થિત રહ્યા. અમે તમારી પાસેથી શીખવા, તમારી સાથે સહયોગ સાધવા અને તમારા કામને ટેકો આપવા આવ્યા છીએ, કારણ કે જ્યારે કોઈ એક સંસ્થા પ્રગતિ કરે છે, ત્યારે બીજા માટે પણ તેની સાથે પ્રગતિ કરવાની તકો ઊભી થવી જોઈએ.” તેવું વિવાન કરાણીએ જણાવ્યું હતું.
“આજના સમયમાં વન્યજીવ સંરક્ષણ રાષ્ટ્રીય સરહદો સુધી સીમિત રહી શકે નહીં. જ્યારે સંસ્થાઓ ડેટા, નિપૂણતા અને જવાબદારીઓની વહેંચણી કરે છે, ત્યારે દરેક પ્રોજેક્ટ વધુ મજબૂત બને છે. આ પરિષદ આપણું નેટવર્ક એક વાસ્તવિક અને સુદ્રઢ ભાગીદારીમાં પરિવર્તિત કરવા માટેનો પ્રયાસ છે.” તેવું સ્વેત્લાના અકુલોવાએ કહ્યું હતું.
આ કોન્ફરન્સમાં ‘ઇન્ડિયન ઝુ યર બુક’, વોલ્યુમ 11, 2026નું વિમોચન પણ કરાયું છે. 29 ઓક્ટોબરના સમાપન સમારોહમાં વનતારા દ્વારા છ મહાનુભાવોને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ્સ એનાયત કરાશે, જેમાં સ્વેત્લાના અકુલોવા: જનરલ ડિરેક્ટર, મોસ્કો ઝૂ અને પ્રમુખ, EARAZA, રેને ફ્રેનેક: સ્થાપક અને ડિરેક્ટર, ક્લેબી ઝૂ , અઝેર હુસેનોવ ડિરેક્ટર, બાકુ ઝૂઓલોજિકલ પાર્ક અને ઉપપ્રમુખ, EARAZA, ઉપરાંત ભારતમાંથી સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના સ્થાપક સભ્ય સચિવ એસ. સી. શર્મા, તેમજ પૂર્વ CZA સભ્ય સચિવો ડૉ. ડી. એન. સિંહ અને બી. એસ. બોનાલનો સમાવેશ થાય છે. જ્યારે સાંજે 2027ના યજમાનને EARAZAનો ધ્વજ સોંપવાની ઔપચારિક વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થશે.