હેરોઈન કેસમાં માછીમારને અને 6.47 કરોડની ઠગાઈમાં આરોપીના જામીન નકારાયા

ભુજની અદાલત દ્વારા મહત્વના બે કેસમાં કરાયેલા હુકમ

પંદર કિલો હેરોઈન સપ્લાય કરવાના આરોપવાળા કેસ અને જમીન પર મોબાઈલ ટાવર મૂકવાની લાલચ આપી છેતરપિંડીના કરવાના જુદાજુદા બે કેસમાં ભુજની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીની જમીન અરજી નામંજૂર કરાઈ હતી. કેફી દ્રવ્ય સંલગ્ન કાયદાની કડક જોગવાઈઓ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ભુજના નવમા અધિક સેશન્સ જજ બી.એમ. પ્રજાપતિએ આ બંને જમીન અરજીઓ ફગાવી દેતા આદેશ કરતા ચુકાદા આપ્યા હતા. 15 કિલોગ્રામ હેરોઈનની હેરાફેરીના કેસમાં જામનગરના સચાણાના માછીમાર જખુ દાઉદ બુચડને, જ્યારે 6.47 કરોડની છેતરપિંડીના કેસમાં હરિયાણાના અરુણ અવધેશ શર્માને જામીન આપવાનો ઇનકાર અદાલત દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ પોલીસ સ્ટેશનમાં 2022માં નોંધાયેલા હેરોઇનના કેસમાં સહઆરોપીને હેરોઈન સપ્લાય કરવામાં મદદ કરવાના આરોપસર જખુ બુચડ માટે કરાયેલી જમીન અરજી નામંજૂર કરાઈ હતી. સરકારી વકીલ દિનેશભાઈ જે. ઠક્કરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અરજી ફગાવી દેવાઈ હતી. જ્યારે અન્ય કેસમાં નારાણપર (પસાયતી)ના 60 વર્ષીય ખેડૂત શિવજીભાઈ પિંડોરિયાને જમીન પર રિલાયન્સ જિયોના ચાર ટાવર સ્થાપી ટાવરદીઠ માસિક 30થી 35 હજાર ભાડાની લાલચ આપીને છેતરપિંડી કરાઈ હોવાના આરોપ સાથે કેસ ક્રાઈમ, બોર્ડર ઝોન પોલીસ મથકે છ આરોપીઓ સામે નોંધાયો હતો. ગુરુગ્રામના 24 વર્ષીય આરોપી અરુણ શર્માની જમીન અરજી આ કેસમાં નામંજૂર કરાઈ હટી. સરકારી વકીલ ડી.જે. ઠક્કરે ગુનાની ગંભીરતા અને આરોપી નાસી જવાની શક્યતા સહિતની દલીલો કરી હતી.