લુણીમાં ગાંજા સાથે છકડા ચાલક ઝડપાયો

મુંદરા મરીન પોલીસને મળેલી બાતમીના આધારે લુણી ચાર રસ્તા ચેકપોસ્ટ નજીક રેડ કરી છકડામાંથી 83 ગ્રામ ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાંજો, મોબાઇલ ફોન અને છકડા સહિત કુલ 1,34,150નો મુદ્દામાલ કબજે કરી કાયદામીય કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પી.એસ.આઈ. વાય.કે. પરમારની ફરિયાદ મુજબ લુણી ગામનો અબ્દુલ લધા કુંભાર પોતાના કબજામાં ગાંજો રાખી છકડા મારફતે મુંદરાથી લુણી તરફ આવવાનો છે. તેવી બાતમીના આધારે લુણી ચાર રસ્તા ચેકપોસ્ટ નજીક આ દરોડો પડયો હતો. છકડાની તલાશી લેવાતાં ડ્રાઈવર સીટની ડાબી બાજુની ડેકીમાં ઝબલામાં લીલા-ભૂરા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. એફ.એસ.એલ. અધિકારીના પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો હોવાનું જણાયું હતું. દરોડો પાડનારી પોલીસ ટુકડીમાં એ.એસ.આઈ. ભાવિકસિંહ પ્રધુમનસિંહ જાડેજા, .હેડ કોન્સ્ટેબલ પ્રકાશસિંહ અરજણભાઈ વજીર, રમેશભાઈ ઈશ્વરભાઈ રબારી, હેડ કોન્સ્ટેબલ હરીભાઈ ડોસાભાઈ ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ રૂપાલસિંહ પ્રભુચનસિંહ ચુડાસમા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ્યોતિબેન બટુકભાઈ પરમાર સહિતનો સ્ટાફ જોડાયો હતો. પૂછપરછમાં આરોપીએ ગાંજો મુંદરા નદીનાકા પાસે કોઈ અજાણ્યા શખ્સ પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. તેવી વિગતો પોલીસ સાધનોએ આપી હતી.