ઘરમાંથી ગાંજાની 11 પડીકીઓ અને બે કોથળીઓ મળી 42 હજારનો મુદ્દામાલ કબ્જે
પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભુજ તાલુકાના કુકમા ગામના સોનલકુપાનગર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 820 ગ્રામ ગાંજો અને ઇલેક્ટ્રોનિક વજનકાંટા સહિત 42 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન મકાનમાં હાજર મહિલા આઈશાબેન અલીમામદ બાફણ મળી આવ્યાં હતાં, જ્યારે તેના પતિ અલીમામદ બાફણ હાજર મળ્યા ન હતા. પોલીસે બંને સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ એ.એસ.આઈ. રામસંગજી સાહેબજી સોઢાને બાતમી મળી હતી કે સોનલકુપાનગર, કુકમા ખાતે રહેતા અલીમામદ બાફણ પોતાના રહેણાંક મકાન પાસે ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરે છે. ત્યારબાદ પોલીસ ટીમે આ દરોડો પાડ્યો હતો. જેમાં મકાનની પાછળની ગેલેરીના ખૂણામાંથી ગાંજાની બે કાળી પ્લાસ્ટિકની કોથળીઓ અને ઝીપલોકની 11 પડીકીઓ મળી આવી હતી.

