સોલાર પેનલ લગાવવી હવે વધુ સસ્તી, સુગમ

ગુજરાતના 3 લાખથી વધુ પરિવારોને મળશે રાહત, રાજ્ય સરકારની વધારાની સબસિડીની જાહેરાત

ગાંધીનગર : ગુજરાતમાં ઘરની છત પર સોલાર પેનલ લગાવવા ઇચ્છતા પરિવારો માટે રાજ્ય સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓને વધારાની રાજ્ય સબસિડી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના ત્રણ લાખથી વધુ સામાન્ય, મધ્યમ અને ગરીબ પરિવારોને સીધો આર્થિક લાભ મળવાની અપેક્ષા છે. આ યોજના પાછળ રાજ્ય સરકાર અંદાજે 1,000 કરોડનો ખર્ચ કરશે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની સહાય અને લાભાર્થીના ફાળા બાદ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે જે ખર્ચ બાકી રહેશે, તે રાજ્ય સરકાર સબસિડીના સ્વરૂપમાં ભોગવશે. આ નિર્ણયથી પરિવારોને સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે પોતાના ખિસ્સામાંથી ઓછી રકમ ચૂકવવી પડશે.
રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ સામાન્ય વર્ગના પરિવારોને સોલાર સિસ્ટમના કુલ ખર્ચના માત્ર 10 ટકા અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતી વર્ગના પરિવારોને માત્ર 5 ટકા રકમ ચૂકવવાની રહેશે. બાકીનો ખર્ચ સરકારી સહાય અને રાજ્ય સરકારની વધારાની સબસિડી દ્વારા આવરી લેવામાં આવશે. યોજના હેઠળ એક કિલોવોટની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા સામાન્ય વર્ગના લાભાર્થીએ માત્ર રૂ. 5,400 જ્યારે SC/ST વર્ગના લાભાર્થીએ રૂ. 2,700 ચૂકવવાના રહેશે. તેવી જ રીતે, બે કિલોવોટની સોલાર સિસ્ટમ માટે સામાન્ય વર્ગના પરિવારે 10,720 અને SC/ST વર્ગના પરિવારે માત્ર 5,360 ચૂકવવાના રહેશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, સોલાર રૂફટોપ સ્થાપન ક્ષેત્રે 8.5 લાખથી વધુ ઘરો સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. નવી સબસિડીના નિર્ણયથી સોલાર ઊર્જાનો ઉપયોગ વધુ વ્યાપક બનશે, વીજળીના બિલમાં બચત કરવાની તક વધશે અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળશે. સરકારની આ પહેલથી વધુ પરિવારો સોલાર ઊર્જા તરફ વળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.