અગાઉ અનેક પશુઓનું મારણ, વારંવાર રજૂઆતો છતાં પાંજરૂં ન મુકાતાં નારાજગી
નખત્રાણા તાલુકાના સાંગનારા ગામના સીમાડા વિસ્તારમાં દીપડાની વધતી જતી સક્રિયતાને પગલે સ્થાનિક માલધારીઓ અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી દીપડાના ત્રાસથી પરેશાન ગ્રામજનોની ફરિયાદ છે કે વારંવાર વન વિભાગ સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરાં પણ ગોઠવવામાં ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સાંગનારા ગામના સીમાડામાં મંગળવારે વહેલી સવારે દીપડો ખુલ્લેઆમ નજરે પડતાં સ્થાનિકોમાં ડર ફેલાયો હતો. ગામના સીમાડામાં દીપડાની હાજરી અને તેની વધતી અવરજવરને કારણે માલધારીઓ હવે પોતાના પશુધનની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. સ્થાનિકના રહેવાસીઓએ જણાવ્યું હતું કે દીપડો નજરે પડ્યો ત્યારે તેનો શિકાર પણ તેના હાથવેંતમાં હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં દીપડાની હાજરી અને તેની શિકાર કરવાની પ્રવૃત્તિને લઈને ચિંતા વધી છે.
રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અગાઉ પણ દીપડા દ્વારા માલધારીઓનાં પશુઓનું મારણ કરવામાં આવ્યું છે. પશુધન પર હુમલાની ઘટનાઓ અને દીપડાની સતત અવરજવરને કારણે ખેડૂતો તથા માલધારીઓની મુશ્કેલીઓ વધી રહી છે. એક તરફ પશુઓની સુરક્ષાનો પ્રશ્ન છે, તો બીજી તરફ પરિવારજનોની સલામતીને લઈને પણ ગ્રામજનો ચિંતિત બન્યા હોવાની વ્યથા વ્યક્ત કરાઈ છે. આ અંગે વન વિભાગને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાંજરાં ગોઠવવામાં આવ્યાં નથી. પરિણામે કોઈ મોટી જાનહાનિ કે પશુધનને વધુ નુકસાન થાય તે પહેલાં તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માગ કરાઈ છે.

