લાંબા સમયનો મુદ્દો પોકારે છે ઉકેલ માટેની આલબેલ
કચ્છની યુવતી સાથે હાલમાં જ અમદાવાદમાં દુષ્કર્મની ઘટના બન્યા બાદ કચ્છ બહાર અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓના મુદ્દે ફરી એકવાર ચર્ચા છેડાઈ છે. જેના નિષ્કર્ષ મુજબ કચ્છમાં આવશ્યક અને પૂરતા શૈક્ષણિક કોર્ષનાં અભાવે છાત્રોની શિક્ષણ હિજરત કાયમ રહી છે. પરાપૂર્વથી કચ્છના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અમદાવાદ સહિતના શહેરોમાં જવાની ફરજ પડે છે. જે આજેય કાયમ છે. કેમકે સ્થાનિકે જરૂરી કોર્ષનાં પૂરતા અભ્યાસક્રમો નથી. તો કચ્છની કોલેજોમાં જરૂરી વ્યવસાયિક કોર્સ અને અભ્યાસક્રમોની સુવિધાનો અભાવ નડી રહ્યો છે.
CA, CS, CMA, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતના પ્રોફેશનલ કોર્સ માટે વિદ્યાર્થીઓને કચ્છ બહાર જવું પડે છે. તો મેડિકલ, પેરામેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ પૂરતી તકોનો અભાવ હોવાનો મુદ્દો સપાટી ઉપર આવ્યો છે. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞોના કહેવા મુજબ કચ્છમાં દર વર્ષે ધોરણ 12 પાસ કરતા હજારો વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી ઇચ્છીત કોર્સ માટે બહાર જવું પડે છે.
કચ્છમાં જ ઉચ્ચ શિક્ષણની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવાની વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ લાંબા સમયની પડતર છે. જરૂર મુજબના વ્યવસાયિક કોર્સ શરૂ થાય તો વિદ્યાર્થીઓને બહાર જવાનો ખર્ચ અને મુશ્કેલીમાંથી રાહત મળી શકે અને સાથેસાથે અન્ય પ્રશ્નો પણ હળવા બની શકે. તેમ વાલીઓ જણાવી રહ્યા છે.
કચ્છમાં નવા કોર્સ શરૂ કરી ઉચ્ચ શિક્ષણની તકો વધારવાની માંગ ઉઠી છે.
વિદ્યાર્થીઓની આ માંગને ધ્યાનમાં લઈ સરકાર અને શિક્ષણ વિભાગે તાત્કાલિક નિર્ણય લેવાની જરૂર હોવાનો મત પણ અનુભવીઓ વ્યક્ત કરી રહ્યા છે.

