યુનિ.ના ધોરડો એક્સટે. સેન્ટરનો પ્રારંભ

દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે આહવાન

કચ્છ યુનિવર્સિટી દ્વારા 2024 25 થી કચ્છના છેવાડાના વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે પહોંચતું કરવા માટે એક્સટેન્શન સેન્ટરો શરૂ કરાયા છે, તેમાં આ વર્ષે નવા પાંચ સેન્ટર ઉમેરી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આ વચ્ચે કચ્છના વિશ્વપ્રસિદ્ધ સફેદ રણથી નજીકના ધોરડો અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને પણ લાભ મળે તે‌વા હેતુ થી ગોરેવાલી માધ્યમિક શાળામાં એક્સટેન્સન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ સેન્ટરનું ગુરુવારના ઉદઘાટન કરાયું હતું. આ સમારોહમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ, યુનિવર્સિટી એક્સટેન્શન સેન્ટરના કો.ઓર્ડિનેટર ડૉ. રામ સોંદરવા, એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડાયરેકટર ચૈતન્ય શ્રોફ, ધોરડો જુથ ગ્રામ પંચાયતના સરપંચ મિયાંહુશેન મુતવા, સિદ્ધપુરથી આવેલા અશરફ મોમીન તેમજ સુગરાબેન, ધોરડો પોલીસ સ્ટેશનના પી.આઇ ટી. ડી. ચુડાસમા, ગોરેવાલી ગ્રામ પંચાયતના સરપંચ ગુલમામદ મુતવા, બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ અલાજુડિયા લોંગ, પચ્છમના અગ્રણી ઉમર શેરા સમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરાયું હતું. કો.ઓર્ડિનેટ ડો સોંદરવાએ પ્રાસંગિક પ્રવચનમાં આ વિસ્તારની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા ઉપસ્થિત સૌને આહવાહન કર્યું હતું. જુથ ગ્રામ પંચાયતના સરપંચએ પોતાના ઉદબોધનમાં સંસ્થાના સંસ્થાપક મીરખાન પી. મુતવાના આ વિસ્તાર માટેના શિક્ષણક્ષેત્રે કરાયેલા કાર્યોને યાદ કરી તેને બિરદાવાયા હતા. કુલપતિ ડો. પટેલનો આ એક્સટેન્સન સેન્ટર શરૂ કરવા બદલ આભાર વ્યકત કરાયો હતો. એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડાયરેકટર શ્રી શ્રોફએ બન્નીની ભાતીગળ સંસ્કૃતિ વિશે પોતાના બચપણના અનુભવો જણાવતા શિક્ષણક્ષેત્રે સદાય ઉપયોગી થવા કહ્યું હતું. અબ્બાસ મોમીને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ તેમજ શિક્ષણક્ષેત્રે તેમણે આદરેલા પ્રયત્નો વિશે પ્રવચનમાં જણાવેલુ હતું. સમારોહના અધ્યક્ષસ્થાનેથી કુલપતિએ કચ્છના ઉચ્ચ શિક્ષણ માટે ‌અવિરત જોડાયેલા રહેવાની નેમ વ્યક્ત કરી હતી. કચ્છનાં અંતરિયાળ ગામોમાં પાંચ એક્સટેન્સન સેન્ટરો ચાલું વર્ષે ચાલું કર્યા છે તેથી કચ્છની છેવાડની દિકરીઓ વધુમાં વધું આ તકનો લાભ લે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.. યુનિવર્સિટીમાં ઈન્ડસ્ટ્રીઝને લગતાં અભ્યાસક્રમો શરુ કરવાની તૈયારીથી પણ તેમણે ઉપસ્થિતોને અવગત કર્યા હતાં. સંચાલન સાહિત્યકાર કલાધાર મુતવાએ તેમજ આભારવિધિ મૌલાના આઝાદ હાઈસ્કૂલનાં આચાર્ય સી. બી. ગોહિલએ કરી હતી