અબડાસા વિસ્તારમાં ખેડૂતો માટે 10 કલાક વીજ પુરવઠો જરૂરી

ધારાસભ્ય દ્વારા રાજ્ય સ્તરે રજુઆત

અબડાસા વિધાનસભા વિસ્તારમાં ખેડૂતોને 10 કલાક વીજપુરવઠો પૂરો પાડવામાં આવે તેવી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અબડાસા વિધાનસભા વિસ્તાર ખેતીપ્રધાન વિસ્તાર છે. હાલની પરિસ્થિતિમાં નહિવત વરસાદ છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી છે. માટે વીજ પુરવઠો 10 કલાક પૂરો પાડવામાં આવે તેવી ધારાસભ્ય દ્વારા પત્રથી રજૂઆત કરવામાં આવી હતી તેમણે જણાવ્યું કે હાલમાં ખાસ કરીને નખત્રાણા અબડાસા અને લખપત તાલુકામાં ખૂબ જ ઓછો અને અપૂરતો વરસાદ છે. ખેડૂતોએ મોટા પાયે કૃષિ પાકોનું વાવેતર કરેલુ છે કપાસ અને મગફળી જેવા પાકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણીની ખાસ જરૂરિયાત છે.
હાલમાં સરકારના ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતોને આઠ કલાક વીજ પુરવઠો આપવામાં આવે છે પરંતુ પાકની જરૂરિયાતને ધ્યાનમાં લઇ આ સમયગાળો પૂરતો નથી પરિણામે ખેડૂતોને સિંચાઈ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને પાકને નુકસાન થવાની શક્યતા રહેલી છે તેવું તેમણે જણાવ્યું હતું. વિધાનસભા વિસ્તારના ખેડૂતોના હિત લાગણી અને વ્યાપક માંગણીને ધ્યાને લઈ પાકોને પૂરતું પાણી મળી રહે અને ખેડૂતોનો ઉભો પાક સુરક્ષિત રહે તે હેતુસર આ વિસ્તારના નખત્રાણા અબડાસા અને લખપત તાલુકાના ખેડૂતોને તાત્કાલિક ધોરણે હાલના આઠ કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો ફાળવવા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ધારાસભ્ય શ્રી જાડેજા દ્વારા કરવામાં આવી હતી.