વકીલો વિરુદ્ધ ફરિયાદોમાં નિષ્પક્ષ તપાસ કરવા અને પોલીસ મથકોમાં સન્માનજનક વર્તન જાળવવા માંગ
વકીલમિત્રોના હિત, અધિકારો, સ્વમાન અને વ્યાવસાયિક સુરક્ષાના રક્ષણ માટે રચાયેલી ગાંધીધામ ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા વકીલોના રક્ષણ અને સન્માનના મુદ્દે અગત્યની પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત બુધવારે QRTના હોદ્દેદારો દ્વારા પોલીસ અધિક્ષક કચ્છ પૂર્વ ગાંધીધામને આવેદનપત્ર પાઠવી વકીલો વિરુદ્ધ થતી ફરિયાદોના કિસ્સામાં કાયદેસરની અને નિષ્પક્ષ તપાસ કર્યા વિના તેમને ખોટી રીતે આરોપી તરીકે સંડોવવામાં ન આવે તેમજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવતા વકીલો સાથે સન્માનજનક અને શિષ્ટ વર્તન જાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
QRT દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે વકીલો ન્યાય વ્યવસ્થાના અભિન્ન અંગ છે અને નાગરિકોના બંધારણીય તથા કાયદાકીય અધિકારોના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમ છતાં કેટલાક કિસ્સાઓમાં વકીલ વિરુદ્ધ કોઈ વ્યક્તિ ફરિયાદ કરે ત્યારે ફરિયાદની હકીકતો અને ઉપલબ્ધ પુરાવાઓની યોગ્ય તપાસ કર્યા વિના અથવા વકીલે પોતાની વ્યવસાયિક ફરજના ભાગરૂપે કરેલી કાયદેસરની કાર્યવાહી અને રજૂઆતને ધ્યાનમાં લીધા વિના તેમને સીધા જ આરોપી તરીકે સંડોવવામાં આવતા હોવાની બાબતો સામે આવી રહી છે. આવી પરિસ્થિતિ વકીલોની પ્રતિષ્ઠા, સ્વમાન અને નિર્ભયતાથી વ્યવસાય કરવાની સ્વતંત્રતા પર પ્રતિકૂળ અસર કરે છે.
વધુમાં, વકીલો જ્યારે પોતાના અસીલના હિતમાં કાયદેસરની રજૂઆત કરવા, અરજી આપવા, ફરિયાદ અંગેની માહિતી મેળવવા કે ન્યાયિક પ્રક્રિયાને લગતી બાબતે પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે તેમની સાથે કેટલાક કિસ્સાઓમાં અસભ્ય, અપમાનજનક અને અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાની બાબતો પણ રજૂઆતમાં ધ્યાને દોરવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવતા વકીલો સાથે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સન્માનપૂર્ણ, શિષ્ટ અને વ્યવસાયિક વર્તન કરવામાં આવે, વકીલોને બિનજરૂરી રીતે અપમાનિત કરવા, ધમકી આપવા કે તેમની કાયદેસરની રજૂઆત સ્વીકારવાનો ઇનકાર કરવા જેવી બાબતો અટકાવવામાં આવે તથા કચ્છ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને વકીલો સાથે વ્યવસાયિક શિષ્ટાચાર, પરસ્પર સન્માન અને સંયમ જાળવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી પણ માંગણી આ રજુઆતમાં કરવામાં આવી હતી.
QRT દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ રજૂઆતનો હેતુ વકીલોને કોઈ વિશેષ કાયદાકીય છૂટછાટ અપાવવાનો નથી, પરંતુ વકીલો વિરુદ્ધ થતી ફરિયાદોમાં કાયદાની યોગ્ય પ્રક્રિયા, નિષ્પક્ષતા અને ન્યાયના સિદ્ધાંતોનું પાલન થાય તેમજ તેમની વ્યવસાયિક ગરિમા અને સ્વમાન જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
QRT ટીમના નવીન આર. રબારી, હરદિપસિંહ વી. ઝાલા અને એન. એમ. અંસારી, કિરણકુમાર પી. સુરા, રાજેશ હીરાની, હરેશ આર. વિંજોડા, નીતિનકુમાર લાંભા, નિરજ પી. ડુંગરિયા, કિશનભાઈ બી. જોશી, દીપકકુમાર એમ. સોંદરવા, કિરણકુમાર પરમાર, મહેશ મરંડ, રોહિત પી. સિરોખા, ભુપેન્દ્ર મહેશ્વરી, નિસર્ગ વી. ચેતનાની, યશ ભાટીયા, જયેશ જે. કારિયા, હીરજી પી. લુણી, હિમાંશુ પી. ધનવાણી,ભાવેશ લીમ્બાચીયા, મેહુલ વાઘેલા રજુઆતમાં જોડાયા હતા.

