આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં પ્રાપ્ત સન્માન અણુવ્રતના સિદ્ધાંતોને સમજતા, સ્વીકારતા અને જીવનમાં ઉતારવા કટિબદ્ધ સૌને સમર્પિત
૭૭મા આંતરરાષ્ટ્રીય વાર્ષિક અણુવ્રત અધિવેશનમાં અણુવ્રત સમિતિ પરિવાર, ભુજને પ્રાપ્ત થયેલા ગૌરવ અને સન્માનને સમિતિએ સમગ્ર ભુજના જિનશાસન તથા અણુવ્રતના વિચારો સાથે આત્મીયતાથી જોડાયેલા તમામ સમાજજનોને સમર્પિત કર્યું છે.
અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ મહેશ પ્રભુલાલ મહેતાએ સમાજના તમામ ભાઈઓ-બહેનો પ્રત્યે આભાર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સન્માન કોઈ એક વ્યક્તિ કે સંસ્થાની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ અણુવ્રતના ઉદાત્ત વિચારોમાં શ્રદ્ધા ધરાવતા, તેના નિયમો અને સિદ્ધાંતોને સમજતા, તેને પોતાના જીવનમાં ઉતારવા કટિબદ્ધ રહેતા તેમજ આ મૂલ્યોના માધ્યમથી માનવસૃષ્ટિના નૈતિક અને ચારિત્રિક ઉત્થાન માટે સંકલ્પબદ્ધ એવા તમામ સમાજજનોનું સહિયારું ગૌરવ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં જ્યારે માનવીય મૂલ્યો સામે અનેક પડકારો ઊભા થઈ રહ્યા છે, ત્યારે અણુવ્રતના સિદ્ધાંતોને જીવનવ્યવહારમાં ઉતારી માનવસૃષ્ટિને વધુ સંવેદનશીલ, જવાબદાર અને સંસ્કારસભર બનાવવાની આવશ્યકતા છે. અણુવ્રતની સાચી સફળતા કોઈ પુરસ્કાર કે સન્માનમાં નહીં, પરંતુ તેના વિચારો માનવજીવનમાં કેટલા પ્રમાણમાં આચરણરૂપ બને છે તેમાં રહેલી છે.

