દુધઈમાં ૫૬ રઘુવંશી દીકરીઓની અનેરી પહેલ: સ્વખર્ચે જલારામ જ્યંતી ઉજવણી કરી મહાજન ટ્રસ્ટીઓનું સન્માન કર્યું
અંજાર તાલુકામાં નવી દુધઈ ખાતે સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે લોહાણા સમાજ દ્વારા ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોહાણા સમાજની ૫૬ દીકરીએ એક અનોખી પહેલ કરી પોતાના સ્વખર્ચે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરી સમાજમાં એકતા, સંગઠન અને સેવાભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જન્મજયંતિના દિવસે સોમવારે સવારે નક્કી કરેલા રૂટ મુજબ ડીજેના તાલે જલારામ બાપાની રવાડી નીકળી હતી. જેમાં જલારામ ભક્તો જોડાયા હતા. બપોરે જલારામ બાપાના મંદિરે મહાઆરતી યોજાઈ હતી. મંદિરના પૂજારી રમણિકગીરી દ્વારા જલારામ બાપાની મહાઆરતી ઉતારવામાં આવી હતી.

આ અંતર્ગત સન્માન સમારોહ પણ યોજાયો હતો. જેમાં લોહાણા સમાજની ૫૬ દીકરીઓ દ્વારા દુધઈ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેના પ્રતિસાદરૂપે લોહાણા સમાજના ટ્રસ્ટીઓ દ્વારા પણ આ ઉમદા કાર્ય કરનાર તમામ ૫૬ દીકરીઓનું સન્માન કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. દીકરીઓએ પોતાના સ્વખર્ચે જન્મજયંતિની ઉજવણી કરી સમાજ પ્રત્યેની પોતાની લાગણી, જવાબદારી અને એકતાની ભાવના વ્યક્ત કરી હતી. દીકરીઓની આ પહેલ સમાજ માટે ગૌરવ અને અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની હોવાની લાગણી દર્શાવતી પ્રતિક્રિયા અપાઈ હતી.
મહાપ્રસાદ કાર્યક્રમ પણ યોજાયો હતો. સમાજના ટ્રસ્ટીઓ, યુવક મંડળ અને મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી.

