ભુજપુર અને આજુબાજુના ગામોના ૧૩૫ લોકોએ લાભ લીધો, ૧,૧૧,૧૧૧નું દાન જાહેર થયું
માંડવી જન કલ્યાણ મેડિકલ સોસાયટીના નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર સંચાલિત મુન્દ્રા તાલુકાના ભુજપુર સેવા સમાજ ભેદા હોસ્પિટલનું ઉદઘાટન અને નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પ રવિવારના યોજાયા હતા.
જનકલ્યાણ મેડિકલ હોસ્પિટલના ચેરમેન કિરણકુમાર વાડીલાલ સંઘવીના પ્રમુખસ્થાને મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને હોસ્પિટલના ઉદઘાટન સાથે મેઘા મેડિકલ કેમ્પને ખુલ્લો મુકાયો હતો. ભુજપુર સેવા સમાજના મેનેજિંગ ટ્રસ્ટી કેશવજીભાઈ પદમશી ગોગરી, દાતા રમેશભાઈ દેઢીયા અને માયાબેન દેઢીયા મુખ્ય અતિથિવિશેષ તરીકે મંચસ્થ રહ્યા હતાં. જ્યારે સોસાયટીના સિનિયર ટ્રસ્ટી ઈશ્વરભાઈ દેસાઈ, સેવા સમાજના પ્રમુખ પંકજભાઈ મણીલાલ દેઢીયા, ટ્રસ્ટી ગીરીશભાઈ કેશવજી દેઢીયા, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, મોટી ભુજપુર ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ભાણજી નંજણ, ઉપસરપંચ માણેકભાઈ રામ ગઢવી, ભુજપુરના મેડિકલ ઓફિસર ડો.રતનભાઈ ગઢવી તથા જિંદાલના વાઈસ પ્રેસિડેન્ટ અને રિટાર્યડ કર્નલ અતિથિવિશેષ તરીકે મંચસ્થ રહ્યા હતાં.
આઠ કોટી મોટીપક્ષ જૈન સંઘના જીતેન્દ્રમુની મ.સા. અને સંગીતાબાઈ મહાસતી અને અચલગચ્છ જૈન સંઘના સાધ્વી પૂર્ણગુણાશ્રીજી મ.સા.એ આશીવર્ચન પાઠવ્યા હતા.
મેડિકલ કેમ્પમાં ડો.નરોતમ ભાનુશાલી, ડો.રશ્મિ વી. દેસાઈ, ડો.શ્રીકાંત ધાનાણી, ડો.નુપુર શાહ, ડો.પરમીત જોશી, ડો.દિગ્ના લાલાણી, ડો.રવિ ગોસ્વામી, ડો.જાહ્નવી ચાવડા, અને ડો.ક્રિષા મોતા સહિત કુલ ૯ ડોક્ટરોની ટીમે સેવા આપી હતી. કેમ્પનો ભુજપુર અને તેની આજુ-બાજુના ગામો સહિત કુલ ૧૩૫ લોકોએ લાભ લીધો હતો. દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી. જરૂરત મુજબના દર્દીઓના ECG, X-RAY, PEP TEST અને RBS (સુગર)ની તપાસ પણ નિ:શુલ્ક કરી અપાઈ હતી. સોસાયટીના ચેરમેન કિરણભાઈ , સિનિયર ટ્રસ્ટી ઈશ્વરભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, ટ્રસ્ટી વી. કે. સોલંકી, ટ્રસ્ટી પ્રવક્તા દિનેશભાઈ શાહ, ટ્રસ્ટી નરોતમભાઈ ધોળું, હેતલબેન શાહ તથા હિતેશભાઈ ભટ્ટ અને હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સંચાલન મણીલાલભાઈ પ્રેમજી દેઢીયાએ, જ્યારે અરવિંદભાઈ કે. શાહે આભારદર્શન કરેલું હતું. સમારોહમાં ભૂજપુરના જગદીશભાઈ ગઢવીએ ૧,૧૧,૧૧૧ના દાનની જાહેરાત કરી હતી. તેમનું સન્માન કરાયું હતું.

