સાંસ્કૃતિક કાર્યક્રમ, સિદ્ધિ મેળવનારના સન્માન, વિવિધ યોજનાઓના લાભ વિતરણ સાથે યોગદાનને કરાયું યાદ
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ અંતર્ગત ભુજ ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ તરફ પાછા વળવાનો સંદેશ આપનાર તથા રાષ્ટ્ર, સમાજ અને આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે જીવન સમર્પિત કરનાર મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડા સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, એવા મહાપુરુષની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ, જેમણે આઝાદી પહેલાં આદિવાસી સમુદાયમાં ધરતીના પિતા તરીકે ઓળખ મેળવી હતી અને હંમેશા જનજાતીય સમુદાયના હકો તથા સાંસ્કૃતિક વારસાને સાચવવા માટે પ્રેરણા આપી હતી.

વક્તા રત્નાકરજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાનું જીવન માત્ર ૨૫ વર્ષનું રહ્યું હતું, પરંતુ આ ટૂંકી આયુમાં તેમણે સમાજ, સંસ્કૃતિ, સભ્યતા અને જંગલ-જમીનના અધિકારો માટે અંગ્રેજ શાસન સામે મોર્ચો ખોલ્યો હતો.
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉદ્બોધન લાઇવ પ્રસારણના માધ્યમથી ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું. વડાપ્રધાનના ઉદ્બોધનના માધ્યમથી જનજાતીય સમાજના ગૌરવ, સન્માન, વિકાસ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં તેમની સહભાગિતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સીદી સમુદાયના કલાકારો દ્વારા પરંપરાગત નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ, રમતવીરોની સિદ્ધિઓ બદલ પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી વિવિધ યોજનાઓ અને તેની સિદ્ધિઓની ઝાંખી દર્શાવતી દસ્તાવેજી ફિલ્મનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા,જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીશ ભંડેરી, આરોગ્ય સમિતિ ચેરમેન રણજીતસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મંજુલાબેન ચાવડા, કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, પ્રાંત અધિકારી એમ.નાકિયા, આગેવાન જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ઉપરાંત ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઇ જોધાણી અને હિતેશભાઈ ખંડોર સહિત પદાધિકારીઓ, કોર્પોરેટર, અધિકારીઓ સહિત નગરજનો સહભાગી થયા હતા. સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.

