સીરક્રીકમાં સીમાદળનો સપાટો, ચાર પાકિસ્તાની ઝડપાયા

માછીમારો સાથે ફાઇબર બોટ પણ કબ્જે, કરચલા પકડવા ભારતીય જળસીમામાં ઘૂસ્યાની કેફિયત

ભારત અને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય જળ સરહદે જોડતા અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા કચ્છ નજીકના અત્યંત સંવેદનશીલ સરક્રીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળ દ્વારા ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી દરમિયાન ભારતીય જળસીમામાં પ્રવેશેલા ચાર પાકિસ્તાની માછીમારોને લેવાયા હતા.
સીમાદળએ પાકિસ્તાનીઓ જેમાં સવાર હતા પાકિસ્તાની ફાઇબર ફિશિંગ બોટ પણ કબ્જે કરી હતી. સતાવાર રીતે પ્રાપ્ત માહિતી મુજબ, બી.એસ.એફ.ના જવાનોને સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાની માછીમારોની ગેરકાયદે ઘૂસણખોરી અંગે બાતમી મળી હતી. જેના આધારે વિસ્તારમાં સઘન નજર રાખી આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. શંકાસ્પદ હિલચાલ કરતી ફિશિંગ બોટને અટકાવી તેમાં સવાર ચાર વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા ચારેય માછીમારો પાકિસ્તાનના સિંધ પ્રાંતના ચાચા જાન ખાન વિસ્તારના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમની ઓળખ કાદિર થેમોર, મુહમ્મદ મુસ્સા, અજગર થેમોર અને અહસાન જાટ તરીકે થઈ છે. તેવું સીમાદળે જાહેર કર્યું છે. પ્રાથમિક પૂછપરછમા મળેલી માહિતી અનુસાર ચારેય માછીમારો કરચલા પકડવાની પ્રવૃત્તિ માટે ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હોવાની તેમણે કેફિયત આપી છે. સુરક્ષા એજનન્સીઓ દ્વારા તેમની પૂછપરછ સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આગળની કાર્યવાહીમાં આ માછીમારોને પશ્ચિમ કચ્છ પોલીસના હવાલે કરવામાં આવશે.