રણ વિસ્તારમાં ચાલતી જુગાર ક્લબ અંતે ઝપટે

પધ્ધર પોલીસની કાર્યવાહીમાં ૧૧ પકડાયા, આઠ નાશી ગયા

પધ્ધર પોલીસ સ્ટેશને નવરાત્રીના તહેવાર વચ્ચે બાતમીના આધારે જુગાર અન્વયે એક મોટી કાર્યવાહી કરી હતી ભુજ તાલુકાના લોડાઈ ગામથી આગળ બેરડો એકલરણ વિસ્તારમાં અંધારામાં સાત કિલોમીટર પગપાળા ચાલીને પોલીસે જુગારની કલબ પકડી મોટા ગણનાપાત્ર કેસનો પર્દાફાસ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી ૧૧ આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે ૮ આરોપી અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
લોડાઈ ગામથી આગળ આવેલા બેરડો એકલરણના અવાવરું અને નિર્જન વિસ્તારમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે આ દરોડો પડાયો હતો. આરોપીઓએ પોલીસથી બચવા માટે એવો નિર્જન વિસ્તાર પસંદ કર્યો હતો કે જ્યાં વાહનોની લાઇટ કે અવાજ દૂરથી જ દેખાઈ જાય અને પોલીસ આવે તો ભાગી જવામાં સરળતા રહે. પોલીસ સાધનોએ આપેલી વિગતો મુજબ બાતમીના આધારે પધ્ધર પોલીસ સ્ટેશનના પી.આઈ.એ.ડી. ખાંટના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે અંદાજે સાત કિલોમીટર સુધી અંધારામાં પગપાળા ચાલીને આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરી હતી. પોલીસે આ દરોડા દરમિયાન જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી અને વાહનો સહિત કુલ રૂા. ૭,૫૫,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં રોકડા રૂપીયા ૧,૧૦,૦૦૦ મોબાઈલ ફોન ૧૦ નંગ (કિંમત રૂ. ૫૦,૫૦૦) , વાહનો (ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર): ૫ નંગ (કિંમત રૂ. ૫,૯૫,૦૦૦) કબજે કર્યા હતા. જો કે દરોડા દરમ્યાન કેટલાક આરોપીઓ નાશી જવામાં સફળ રહ્યા હતા જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
એલ.ઈ.ડી. લાઈટ, લાકડાનું પાટીયું અને ધાણી પાસા સહિતની જરૂરી વ્યવસ્થા સાથેના જુગારના આ અડ્ડા ઉપરના પોલીસના દરોડામાં સ્થળ પરથી ઝડપાયેલા ૧૧ આરોપીમાં સુલેમાન ઈબ્રાહીમ મમણ (નાના વરનોરા), ભુરા નારાણ કોવાડીયા (ધ્રગ), અશોક રણછોડભાઈ ડાંગર (ઉમેદપુર), ભચુ જુસબ મોખા (નાના વરનોરા), અનીલ રણછોડભાઈ ગાગલ (જવાહરનગર), શંકર વાલજી આહીર (માધાપર), હનીફ જુસબ લાડક (સ્પ્રંગ), ધિરજ ભુરાભાઈ ગાગલ, સચીન શામજી ગાગલ, વિરમ પાંચા ચાડ (તમામ રહે. જવાહરનગર) અને રણછોડભાઈ ગોપાલ ડાંગર (ઉમેદપુર) નો સમાવેશ થાય છે. જ્યારે ઈબ્રાહિમ કરીમ મંધરીયા (બોલાડી) સહિત અન્ય ૮ શખ્સો નાસી છૂટ્યા હતા, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.ડી. ખાંટના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. રામસંગજી સોઢા, વિરેન્દ્રસિંહ પરમાર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.