રણોત્સવ આયોજન માટે ધોરડોમાં કોર કમિટીની બેઠક યોજાઈ

સફેદ રણ , વ્યૂ પોઈન્ટ સહિતના સ્થળોની મુલાકાત લઈ કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું

આગામી ‘રણોત્સવ ૨૦૨૬-૨૭’ના સુચારુ આયોજન માટે અને પ્રવાસીઓની કચ્છના સફેદ રણ ધોરડોની મુલાકાતને વધુ સુવિધાસભર બનાવવા માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ‘રણોત્સવ જિલ્લા કોર કમિટી’ની મહત્વપૂર્ણ બેઠક ધોરડો ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ રણોત્સવની પૂર્વતૈયારીઓના ભાગરૂપે વહીવટીતંત્રની વિવિધ ટીમોની જવાબદારીઓ અને કામગીરીઓ અંગે સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ આપીને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
રણોત્સવ ખાતે આવનારા પ્રવાસીઓની યાત્રા વધુ સુગમ અને સુવિધાસભર બને તે માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા શ્રી રાણાવસિયાએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
કલેક્ટરએ આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારના અનધિકૃત દબાણો ન થાય તેની તકેદારી રાખવાની કામગીરી તેમજ તપાસ દરમિયાન ધ્યાને આવે તો દબાણોને તાત્કાલિક દૂર કરવાની કામગીરી ઝડપથી કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, અધિક કલેકટર પી.એલ.વિઠાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, પ્રાંત અધિકારી મહેશ નાકિયા, અભિષેક પ્રમોદ તલે, નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહ, જિલ્લા પુરવઠા અધિકારી વિવેક બારહટ, મામલતદાર તેજસ પટેલ, ભુજ એસટી નિગમના વિભાગીય નિયામક એન.એસ.પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.પી.નાઈ, ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયાં હુશેન ગુલબર્ગ , બોર્ડર સિક્યોરિટી ફોર્સના ઉચ્ચ અધિકારીઓ સહિત આરોગ્ય, વન, ખેતીવાડી, પશુપાલન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.