ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ વિસ્તૃત રજૂઆત
અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં તાત્કાલિક ઘાસચારા માટે કેટલ કેમ્પ શરૂ કરવાની અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ એમ. જાડેજાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.
તેમણે રજુઆતમાં અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં વરસાદની અછત વચ્ચે પશુપાલકો માટે મુશ્કેલી વધતી હોવાનો ઉલ્લેખ કરવા સહિતના મુદ્દા રજૂ કર્યા છે.
અપૂરતા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કુદરતી ઘાસચારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાની રજૂઆત પણ ધારાસભ્ય શ્રી જાડેજાએ કરી છે.
તેમની રજૂઆત મુજબ પશુપાલકો માટે ઘાસચારો મેળવવો મુશ્કેલ બન્યો છે. સીમાડા વિસ્તારમાં પીવાના પાણીની પણ અછત વર્તાઈ રહી છે.
વરસાદની અછતને કારણે પશુધન નિભાવવું પશુપાલકો માટે મુશ્કેલ બનતું હોવાનું કહેતા તેમણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની સંભાવના પણ મુખ્યમંત્રી સમક્ષ પત્રમાં વ્યક્ત કરી છે.
આ ત્રણેય તાલુકાની પરિસ્થિતિની તાત્કાલિક મોજણી કરવાની માંગ કરતા ધારાસભ્યએ અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરી તાત્કાલિક રાહતના પગલાં ભરવા અનુરોધ કર્યો હતો.
પશુપાલકોના પશુધનને પૂરતો ઘાસચારો અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા તથા જરૂરિયાત મુજબ તાત્કાલિક કેટલ કેમ્પો શરૂ કરવામાં આવે તેવી માગણી તેમણે કરી હતી.

