વિતરણ સુરક્ષિત અને સરળ બનાવવા નવી વ્યવસ્થા
કચ્છ સહિત રાજ્યમાં હવે ખેડૂતો મોબાઈલ એપથી ખાતરનો જથ્થો સીધો બુક કરી શકાશે. ખાતર વિતરણ માટે આ નવી વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે. 25 ઓગસ્ટથી કચ્છ સહિત રાજ્યના તમામ જિલ્લામાં નવી પદ્ધતિથી ખાતર વિતરણ શરૂ કરવામાં આવશે.
ખાતર વિતરણને વધુ સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવા નવી વ્યવસ્થા અમલમાં મૂકાઈ હોવાની વિગતો જાહેર કરી છે.
સાધનોના જણાવ્યા મુજબ ફર્ટિલાઈઝર નામની ડિજિટલ એપ દ્વારા ખેડૂતો મોબાઈલથી ખાતરનું બુકિંગ કરાવી શકશે આ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી એન્ડ્રોઇડ મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાય છે. આનાથી ખેડૂતો મોબાઈલથી જ ખાતરનો જથ્થો સીધો બુક કરાવી શકશે.
બુકિંગ કર્યા બાદ બે દિવસમાં ખેડૂતોએ વિક્રેતા પાસેથી ખાતર મેળવી લેવાનું રહેશે*
બે દિવસમાં ખાતર નહીં મળે તો અગાઉનું બુકિંગ રદ થઈ જશે અને ફરીથી બુકિંગ કરાવવું પડશે. આ નવી પદ્ધતિથી ખેડૂતો ઘરે બેઠા જાણી શકશે કે કયા વિક્રેતા પાસે કયા અને કેટલો ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે*
ખાતરની કાળાબજારી અટકાવવા અને ખાતર સાથે અન્ય ખાતરો ખરીદવાની ફરજ પર પણ આનાથી રોક લાગશે તેવી આશા રખાઈ રહી છે.
સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં આ અંગેનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ સમગ્ર રાજ્યમાં નવી વ્યવસ્થા લાગુ કરાઈ રહી હોવાનું સાધનોએ કહ્યું હતું. સરકારની આ નવી વ્યવસ્થાથી ખેડૂતોને ખાતર મેળવવામાં સરળતા અને પારદર્શિતા મળી રહે તેવી અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે.

