નારાણપર રોહામાં શેડની સુવિધા માટે ૫ લાખની ગ્રાન્ટ ફાળવી
ભુજ : કચ્છ જિલ્લામાં શિક્ષણ અને બાળકોના પોષણ સ્તરને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે કલેક્ટરએ નારણપર રોહા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળાના બાળકો અને સ્ટાફ સાથે સંવાદ સાધ્યો હતો. આ મુલાકાતની સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ રહી હતી કે, કલેક્ટર શ્રી રાણાવસિયાએ શાળામાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાની કામગીરીની જાત તપાસ કરી હતી. તેમણે સરકારના નિર્ધારિત મેનુ મુજબ રસોઈયા બહેનો દ્વારા બનાવેલા ‘પૌંઆ’નો સ્વાદ માણ્યો હતો. ભોજનની શુદ્ધતા અને સ્વાદથી પ્રભાવિત થઈને તેની પ્રશંસા કરી હતી.
શાળામાં મધ્યાહન ભોજનની કામગીરી વધુ સુવિધાજનક બને અને બાળકોને જમવા માટે યોગ્ય વ્યવસ્થા મળી રહે તે હેતુથી તેમણે સ્થળ પર જ ત્વરિત અને હકારાત્મક નિર્ણય લઈને મધ્યાહન ભોજન શેડ બનાવવા માટે રૂ. ૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. આ લોકાભિમુખ અને પ્રોત્સાહક પગલાંથી નારણપર રોહાના ગ્રામજનો, પંચાયત સભ્યો અને શાળા પરિવારે વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો

