“કચ્છના વિકાસ માટે સરકાર સતત કાર્યરત” : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર દ્વારા રતનાલ ખાતે આયોજિત પરંપરાગત સ્નેહમિલન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી કચ્છના લોકો તથા ઉપસ્થિત મહાનુભાવોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કચ્છ પ્રત્યેની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કચ્છની ધરતી સાથે વિશેષ આત્મીયતા અને સ્નેહનો સંબંધ છે. કચ્છના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે અને કચ્છને વિકાસની નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટે સરકારનો સહયોગ અને સહકાર સતત મળતો રહેશે.
આ પ્રસંગે ત્રિકમદાસજી મહારાજ (મહંત સચ્ચિદાનંદ સંપ્રદાય, અંજાર), મુરજી રાજા (ધ્રગ જાગીર) , ભરતદાદા (ભારાપર જાગીર), લક્ષ્મણગીરીબાપુ (વાઘેશ્વરી માતાજી મંદિર, હબાય) તથા ભગવાનદાસ મહારાજ, (મહંત સચ્ચિદાનંદ સંપ્રદાય રતનાલ) સહિત સંતો-મહંતોની ઉપસ્થિતિ રહી હતી.
વાસણભાઈ આહીરે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરી કચ્છના વિકાસ અને પ્રગતિ માટે સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.

