દયાપર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાપર્ણ – ખાતમુહૂર્ત

સરહદી વિસ્તારોમાં રેલવે સુવિધા અને નર્મદાના નીર ઘર આંગણે મળતા વિકાસની ક્રાંતિ જોવા મળશે

લખપત તાલુકામાં દયાપર ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં નાના વેપારીઓની સ્વરોજગારી માટે 40 દુકાનોના ગ્રામ હાટ તથા દુધ કલેક્શન સેન્ટરનું લોકાર્પણ તેમજ પ્રાથમિક કુમાર શાળાનું ભૂમિ પૂજન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી અમૃતિયાએ જણાવ્યું હતું કે, કચ્છનો સર્વસમાવેશી વિકાસ કરવા રાજ્યસરકાર કટીબદ્ધ છે. આજ દિશામાં કાર્યરત રાજ્યસરકાર ટૂંકસમયમાં કચ્છમાં રહેલી શિક્ષકોની ઘટને દૂર કરવા કટીબદ્ધ છે. તેમણે આ પ્રસંગે જિલ્લાના પાણી, સિંચાઈ, રસ્તા અને શિક્ષણ જેવા ભૌગોલિક પ્રશ્નોના નિરાકરણ પર વિશેષ ભાર મૂક્યો હતો . સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વમાં કચ્છના સરહદી વિસ્તારોમાં વિકાસની ક્રાંતિ આવી છે, જેમાં સરહદ ડેરી પશુપાલકો અને ખેડૂતો માટે ઘર આંગણે રોજગારીનું મોટું માધ્યમ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝનથી કચ્છ આજે દેશ-દુનિયા માટે વિકાસનું મોડેલ બન્યું છે, આગામી વર્ષમાં આ વિસ્તારને જોડતી રેલવે સર્કિટ શરૂ થવાથી રેલવે સુવિધા ઉપલબ્ધ થશે અને રોડ-રસ્તાની કનેક્ટિવિટી પણ મજબૂત બનશે. આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છનો અકલ્પનીય, સર્વત્ર વિકાસ થયો છે. તેમણે આ પ્રસંગે ખેડૂતોને પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં પશુપાલકો તેમજ દૂધ ઉત્પાદક મંડળીના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, સરપંચ દયાબેન પટેલ, સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, આગેવાનો હિતેશ ખંડોર, હસમુખ પટેલ, ગણપત રાજગોર, હાજી સુલેમાન, મોડ જાફર સુમરા, વિક્રમસિંહ સોઢા, નીતિન પટેલ, જેતમાલજી જાડેજા સહિત પશુપાલકો, વેપારીઓ, સરહદ ડેરીના ડાયરેક્ટરો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જયેશદાન ગઢવીએ કર્યું હતું.