સંકુલને અગ્ર હરોળના મહાનગરમાં સ્થાન અપાવવાના નીર્ધાર સાથે કરાઈ ચર્ચા વિચારણા
ગાંધીધામ-આદિપુર સંકુલને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના સુનિયોજિત અને સર્વાંગી વિકાસને નવી દિશા આપવા માટે ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સક્રિય પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત ચેમ્બરના પ્રતિનિધિમંડળે ગાંધીધામ મહાનગરપાલિકાના હોદ્દેદારો સાથે પાયાની નાગરિક સુવિધાઓથી માંડીને ભવિષ્યના આયોજન અંગે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા-વિચારણા કરી હતી. ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં માનદ મંત્રી મહેશ તીર્થાણી, સહમંત્રી જીતીન અગ્રવાલ અને ખજાનચી કૈલેશ ગોર ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા તરફથી મેયર દિવ્યાબેન નાથાણી, ઉપમેયર નવીનભાઈ જરૂ તથા કારોબારી સમિતિના ચેરમેન તેજસ શેઠ સાથે શહેરના વર્તમાન પ્રશ્નો, બાકી કામગીરી અને ભવિષ્યના માળખાકીય વિકાસ અંગે સકારાત્મક સંવાદ યોજાયો હતો.
ચેમ્બર પ્રમુખ શ્રી કાનગડે શહેરના તમામ વિસ્તારોમાં નિયમિત સફાઈ, સમયસર પાણી વિતરણ, રસ્તાઓની સુવ્યવસ્થિત જાળવણી, સ્ટ્રીટલાઈટ અને ટ્રાફિક વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા ભાર મૂક્યો હતો. ખાસ કરીને ગાંધીધામ GIDC વિસ્તારમાં માર્ગો, પાણી, ડ્રેનેજ અને પ્રકાશની સુવિધાઓ મજબૂત કરવાથી ઉદ્યોગો, કામદારો, પરિવહન ક્ષેત્ર અને વેપાર-વાણિજ્યને મોટો લાભ થશે તેમ તેમણે જણાવ્યું હતું. ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ સરદારગંજ હોસ્પિટલને જરૂરી સુવિધાઓ સાથે પુનઃ કાર્યરત કરવા અને ટાગોર રોડ, રામબાગ રોડ તથા એરપોર્ટ રોડને કોમર્શિયલ જાહેર કરવા માટે સંબંધિત સત્તાધિકારીઓ સાથે સંકલન કરવા રજૂઆત કરી હતી.
રોટરી ફોરેસ્ટથી ગાંધીધામ સીટી મોક્ષધામ સુધીના માર્ગને પહોળો કરી બંને તરફ લાઈટ વ્યવસ્થા કરવી. આંબેડકર સર્કલથી કોટેશ્વર ચોકડી સુધીના માર્ગનું બ્યુટીફિકેશન કરવા સાથે ૨૦૦થી વધુ કેબીન ધારકોના પુનઃ વસનની પ્રક્રિયાનું પાલન કરવું. ગોપાલપુરી રેલવે સ્ટેશન આસપાસ માળખાકીય સુધારા, ભારતનગરમાં નાળાના લેવલિંગનો પ્રશ્ન અને રખડતા પશુઓ માટે વ્યવસ્થિત કેટલ શેલ્ટર ઊભું કરવા જેવી તાત્કાલિક જરૂરિયાતો પણ બેઠકમાં રજૂ કરાઈ હતી.
મેયર દિવ્યાબેન નાથાણીએ રજૂઆતોને આવકારીને જણાવ્યું હતું કે મહાનગરના વિકાસમાં નાગરિકો અને વેપાર-ઉદ્યોગ જગતના સૂચનો મહત્વપૂર્ણ છે. રજૂ કરાયેલા મુદ્દાઓનો યોગ્ય અભ્યાસ કરી સંબંધિત વિભાગો સાથે સંકલન સાધવામાં આવશે. ઉપમેયર નવીનભાઈ જરૂએ માર્ગો, સફાઈ અને પાણી જેવા પાયાના પ્રશ્નોના વ્યવહારુ ઉકેલ માટે પ્રાથમિકતાના આધારે કામગીરી આગળ ધપાવવાની ખાતરી આપી હતી. તો કારોબારી ચેરમેન તેજસ શેઠએ પાયાની સુવિધાઓને સુદ્રઢ બનાવવાની સાથે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો.
ગાંધીધામ-આદિપુર સંકુલ કંડલા, મુંદ્રા અને તુણા બંદરો તથા ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ પ્રવૃત્તિઓને જોડતું કચ્છનું વ્યુહાત્મક આર્થિક કેન્દ્ર છે અને દેશભરના નાગરિકોના વસવાટને કારણે ‘મિની ભારત’ તરીકે ઓળખાય છે. ગાંધીધામ ચેમ્બરે રાજ્યના અગ્રણી મહાનગરોમાં ગાંધીધામને સ્થાન અપાવવા માટે સતત રચનાત્મક સહયોગ આપવાનો નિર્ધાર આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો.

