કચ્છના ૮૩ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય પ્રમાણપત્ર

ઉત્તમ આરોગ્ય સેવ પૂરી પાડવાની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતું આરોગ્ય વિભાગ

કચ્છ જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સેવાઓની ગુણવત્તામાં વધારો કરવા અને નાગરિકોને ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુ સાથેની ઝુંબેશ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લાના ૧૧૭ આયુષ્માન આરોગ્ય મંદિરોમાંથી કુલ ૮૩ કેન્દ્રોએ NQAS પ્રમાણપત્ર મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન જિલ્લાના ૧૧૭ સબ-સેન્ટર કક્ષાના આયુષ્માન આરોગ્ય મંદિરોને ‘રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી પ્રમાણપત્ર’ અપાવવાના લક્ષ્યાંક સાથે આ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. તો આ ઝુંબેશને સફળ બનાવવા માટે નિયમિત સાપ્તાહિક વીડિયો કોન્ફરન્સ મારફતે કામગીરીની સમીક્ષા કરાતી હતી. આ માર્ગદર્શનના પરિણામે પસંદ કરાયેલા આરોગ્ય કેન્દ્રોની કામગીરીમાં નોંધપાત્ર ગુણવત્તાલક્ષી સુધારો જોવા મળ્યો હતો. પ્રથમ તબક્કામાં રાજ્ય કક્ષાએ એસેસમેન્ટ પૂર્ણ થયા બાદ, આ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર દ્વારા ઓગસ્ટ-૨૦૨૬ સુધી તબક્કાવાર તમામ કેન્દ્રોનું વર્ચ્યુઅલ માધ્યમથી એસેસમેન્ટ કરાયું હતું. પારદર્શિતા જાળવવાની માર્ગદર્શિકા મુજબ ૧૦ ટકા રેન્ડમ ફિઝિકલ વેરિફિકેશન અંતર્ગત ત્રણ આરોગ્ય કેન્દ્રોની રૂબરૂ સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી.
એસેસમેન્ટના અંતે પ્રાપ્ત થયેલાં પરિણામો કચ્છ જિલ્લાના જાહેર આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવરૂપ રહ્યા છે. પસંદ કરાયેલા ૧૧૭ આયુષ્માન આરોગ્ય મંદિરોમાંથી કુલ ૮૩ કેન્દ્રોએ NQAS પ્રમાણપત્ર મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ૪૨ આરોગ્ય કેન્દ્રોને ત્રણ વર્ષની માન્યતા ધરાવતું સંપૂર્ણ પ્રમાણપત્ર અને ૪૧ કેન્દ્રોને છ મહિનાની માન્યતા ધરાવતું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. જ્યારે અન્યની કાર્યવાહી પ્રગતિમાં છે. આ સિદ્ધિ પાછળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પ્રોગ્રામ ઓફિસરો, જિલ્લા ક્વોલિટી વિભાગના ડૉ. અમીન અરોરા, DQA દીપેન ગોર, તાલુકા હેલ્થ ઓફિસરો, રાજ્ય ઇન્ટરનલ એસેસરો, તાલુકા CHO નોડલ અને આરોગ્ય કેન્દ્રોના અધિકારીઓ, કર્મચારીઓએ યોગદાન આપ્યું હતું..