મુન્દ્રાના પ્રોપર્ટી ડીલરને ‘મર્ડર’ની ધમકી

બે જણ સામે ફરિયાદ , 5 લાખના વ્યવહારનો વિવાદ

મુન્દ્રામાં 5 લાખની ઉછીની અપાયેલી રકમના ઉઘરાણીના વિવાદમાં પ્રોપર્ટી લે-વેચનું કામ કરતા 28 વર્ષીય હિમાંશુ નવીનભાઈ મકવાણાને વારંવાર ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા તેમજ તેના પિતાને પણ ધમકી આપવાના આરોપ સાથે મુન્દ્રા પોલીસ મથકે બે શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ મુજબ, હિમાંશુ મૈત્રી કોમ્પ્લેક્ષ, વાલ્મીકીવાસ, મુન્દ્રા ખાતે રહે છે અને મકાન-જમીનની લે-વેચ તથા સોદા કરાવવાનું કામ કરે છે. વર્ષ 2019 દરમિયાન પેથોલોજી લેબોરેટરીમાં નોકરી દરમિયાન તેની ઓળખ મુન્દ્રાની યુવતી સાથે થઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, હિમાંશુએ યુવતી પાસેથી 5 લાખ ઉછીના લીધા હતા અને બાદમાં ઓનલાઈન ગૂગલ-પે મારફતે હપ્તાવાર રકમ પરત ચૂકવ્યા છતાં વધુ રકમની માંગણી કરવામાં આવતી હોવાનો આરોપ મુકાયો છે.
આ દરમિયાન યુવતીના મિત્ર ભુજના સનમાન સાટી દ્વારા છેલ્લા એક વર્ષથી હિમાંશુને રૂબરૂ જાનથી મારી નાખવાની તથા હાથ-પગ તોડી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બે દિવસ અગાઉ બારોઈ રોડ પર મૈત્રી કોમ્પ્લેક્ષ નજીક હિમાંશુના પિતા નવીનભાઈને પણ ધમકી અપાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તો ભુજના સાહીલ દાઉદ અજરીયા નામના વ્યક્તિએ 21 ઓક્ટોબરે ફોન કરી પૈસાનો હવાલો પોતે લીધો હોવાનું કહી રકમ નહીં આપે તો ‘મર્ડર’ કરી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હોવાનું ફરિયાદમા લખાવાયું છે. ફરિયાદીએ આવા કુલ આઠ ફોન આવ્યા હોવાનું અને કોલ રેકોર્ડિંગ પોતાની પાસે હોવાનું જણાવ્યું છે. મુન્દ્રા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.