સમુદ્ર કાંઠે મરીન કમાન્ડોનો ચાંપતો પહેરો

પાંચ કિ.મી.થી વધુનો વિસ્તાર ચાંપતી નજર તળે આવરી બોટ-વાહન અને અવાવરૂ સ્થળોની તપાસ

દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ તેમજ દરિયાઈ માર્ગે થતી દાણચોરી અને કેફી પદાર્થોની હેરાફેરીને અટકાવવા કોટેશ્વર મરીન પોલીસે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અવિરત રાખ્યું છે. સોમવાર 26 ઓક્ટોબરના બુધ્ધબંદરથી કાલાપાણી સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં 5 કિમીથી વધુ અંતર સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા તથા PSI અને મરીન કમાન્ડોની સંયુક્ત ટીમો દ્વારા દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ પણ હાથ ધરાયું હતું.
પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને બોટો ઉપરાંત અવાવરૂ જગ્યાઓની પણ તપાસ કરવામાં આવી હતી. દરિયાઈ માર્ગે શંકાસ્પદ વસ્તુઓ, ડ્રગ્સના પેકેટ, બેગ, ડ્રોન તેમજ દાણચોરીની કોઈપણ હિલચાલ ન થાય તે માટે મરીન કમાન્ડોની ટીમો દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. તેવી વિગતો જાહેર કરાઈ હતી.