જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઠ સ્થળે દબાણ હટાવાયા
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સરકારી જમીન અને જાહેર મિલકતોને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરાવવાની ઝુંબેશના ભાગરૂપે તા. ૨૪ અને ૨૫ ઓક્ટોબરના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત કચ્છના તાલુકામાં આઠ ગેરકાયદેસર દબાણો દૂર કરીને કુલ ૨૦,૨૨૬ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી હતી. આ જમીનની અંદાજિત કિંમત રૂ. ૩.૧૩ કરોડ જેટલી થાય છે.
આ ઝુંબેશ હેઠળ દૂર કરાયેલા કુલ ૮ દબાણમાં ૨ ધાર્મિક, ૪ વાણિજ્યિક તથા ૨ અન્ય પ્રકારનાં દબાણોનો સમાવેશ થાય છે. દબાણમુક્ત કરાવવામાં આવેલી જમીનમાં ૮,૧૧૦ ચોરસ મીટર ધાર્મિક, ૩,૨૬૯ ચોરસ મીટર વાણિજ્યિક તથા ૮,૮૪૭ ચોરસ મીટર અન્ય પ્રકારની જમીનનો સમાવેશ થાય છે. તેવી વિગતો જાહેર કરાઈ છે. તાલુકાવાર કામગીરીમાં અંજાર તાલુકામાં સૌથી વધુ ૩ દબાણ દૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાપર તાલુકામાં ૨, જ્યારે ભુજ, નખત્રાણા અને અબડાસા તાલુકામાં એક-એક દબાણ દૂર કરવામાં આવ્યું છે. અંજાર તાલુકામાં કુલ ૯,૮૬૬ ચોરસ મીટર, રાપર તાલુકામાં ૯,૦૦૦ ચોરસ મીટર, ભુજ તાલુકામાં ૪૫૦ ચોરસ મીટર, નખત્રાણા તાલુકામાં ૪૦૦ ચોરસ મીટર અને અબડાસા તાલુકામાં ૫૧૦ ચોરસ મીટર જમીન દબાણથી મુક્ત કરાવવામાં આવી છે.
કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કામગીરી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે હેતુથી પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંકલન સાથે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીનનું સંરક્ષણ કરવા, જાહેર મિલકતોનું જતન સુનિશ્ચિત કરવા અને ગેરકાયદેસર દબાણો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવી ઝુંબેશ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. તેવું તંત્રએ જણાવ્યું છે.

